રાજીનામું આપનાર કર્મચારી સહિત કેટલાક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની તળિયાઝાટક તપાસ કરવા પીડિતોની માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી” અંતર્ગત ફાળવવામાં આવેલ આવાસો પર કેટલાક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય સંઘપ્રદેશ પ્રશાસન તરફથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાક્કા મકાન ઉપલબ્ધ કરાવવાનો હતો. પરંતુ સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં આ યોજના અંતર્ગત કેટલાક બનાવટી લાભાર્થીઓને ફાળવેલ આવાસોના લાભાર્થીઓની સંપત્તિ અને સ્થિતિ જોઈને હવે આ યોજનાની પારદર્શિતા પર પ્રશ્નચિન્હ લાગી રહ્યું છે, બીજી બાજું ખાસ જરૂરિયાતમંદ અને લાયક એવા કેટલાક લોકોએ રકમની ચૂકવણી કરી દીધી હોવા છતાંપણ તેઓને આવાસ મળ્યા નથી. એટલું જ નહિ કેટલાક અરજદારોએ તો નગરપાલિકાના કર્મચારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને દલાલ સમજી લાખો રૂપિયા એ માટે આપ્યા કે તેઓને ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”માં સસ્તામાં મકાન મળી શકે, એવામાં હવે તો તેઓને આવાસ પણ નથી મળી રહ્યા અને તેઓના પૈસા પણ પરત નથી મળી રહ્યા. હવેએક પછી એક કરતા અનેક ફરિયાદો આવી રહી છે અને તેઓને ન્યાય મળે એવી માંગ ઉઠી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકામાં કામ કરતા ટોની નામના શખ્સ પાસે નગરપાલિકાના અધિકારીએ એ માટે રાજીનામુ માંગી લીધું છે, કારણ કે કૌભાંડમાં સંડોવાયેલા ન.પા.ના અધિકારીઓના નામો પણ ઉજાગર થઈ રહ્યા છે. ટોની નામનો વ્યક્તિ એજ છે જેણે કેટલાક લોકો પાસે છેતરપિંડી કરી ‘‘પ્રધાનમંત્રી આવાસ(શહેરી)” અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધા છે અને અરજદારોને મકાન પણ નથી અપાવ્યા.
મળતી માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકામાં કામ કરવાનો દેખાડો કરી ટોની ઘણાં લોકોને છેતરી ચુક્યો છે. એવામાં લોકોની માંગ છે કે ટોની નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધી એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નગરપાલિકા તંત્રની પણ જવાબદારી બને છે કે તેમના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરે. કારણ કે ટોની જેવા લોકોના કારણે નગરપાલિકા જ નહિ પરંતુ ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”માં સામેલ કેટલાક અધિકારીઓના નામો પણ ખરાબ થઈ રહ્યા છે.
બીજી તરફ જે લોકોને નગરપાલિકા અંતર્ગત આ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પાસે અગાઉથી જ મોંઘા ફોરવ્હીલર વાહન ઉપલબ્ધ છે, એ સિવાય તેઓના નામે અન્ય મિલકત પણ છે, તેથી તેઓનો આર્થિક રૂપે કમજોર વર્ગમાં સમાવેશ કેવી રીતે કરાયો? સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ મુદ્દે ઝીણવટતાથી તપાસ કરે અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે એવી માંગ બુલંદ બની છે.