ધરમપુર- કપરાડાના આદિવાસી ભાઈ-બહેનોએ પારંપરિક નાગલીના રોટલા, અડદ દાળથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓનો રસથાળ અન્નકૂટ રૂપે ધરાવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડના તિથલ સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે વિક્રમ સવંત 2081 વર્ષના પ્રથમ દિવસનો મંગલ પ્રારંભ અન્નકૂટ ઉત્સવની ઉજવણી સાથે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ અન્નકૂટ મંદિરના હરિભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે, તિથલ સ્વામિનારાયણ મંદિરના આ વર્ષે 25 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે વિવિધ આયોજનો પૈકી અન્નકૂટ ઉત્સવનું અનોખું અને અનેરું આયોજન કરાયું હતું.
ભગવાન સ્વામિનારાયણ તેમજ સનાતન ધર્મના મુખ્ય અવતારો ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીમહાદેવ, ભગવાન શ્રીકળષ્ણ, ભગવાન હનુમાનજી તેમજ ગણપતિજી સમક્ષ 2525 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ વાનગીઓ વલસાડ તેમજ આજુબાજુના ગામડાઓથી સંતો હરિભક્તો દ્વારા શુદ્ધતા અને પવિત્રતાથી તૈયાર કરવામાં આવી હતી.ભક્તિ અને સેવાના સમન્વયથી આ મહોત્સવ ખૂબ શાનદાર રીતે ઉજવાયો હતો. આ અન્નકૂટની ઉત્સવ સભામાં સવારે 9 થી 11 સુધી હરિભક્તો સંગીત, નૃત્ય અને કથા વાર્તાથી જ્ઞાન અને ભક્તિની વિશેષ દ્ઢતા કરી હતી. ત્યારબાદ સૌ અન્નકૂટ દર્શન માટે પધાર્યા હતા.
તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. વિવેકસ્વરૂપ સ્વામીએ હાર પહેરાવી સૌનુ સ્વાગત કર્યું હતું અને નવા વર્ષમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને જનહિત અને દેશહિતના ઉમદા કાર્યો થતાં રહે એવા આશીર્વાદ આપ્યા હતા. મંદિરના સંતો – હરિભક્તો દ્વારા ભક્તિભાવથી 2525 વાનગીનો ભવ્ય અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણ એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણે ધરવામાં આવ્યો હતો. વાનગી બનાવવાની સેવામાં ધરમપુર, કપરાડાના આદિવાસી ભાઈ-બહેનો પારંપરિક નાગલીના રોટલા, અડદ દાળથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓનો રસથાળ અન્નકૂટ રૂપે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉત્સવમાં સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી આજુબાજુના વિસ્તારના હજારો ભાવિક ભક્તોએ અન્નકૂટના દિવ્ય દર્શન કરી આશીર્વાદ અને મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.
આ અન્નકૂટ ઉત્સવમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ક્લેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશપટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જિતેશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ગોવર્ધન પૂજા તેમજ આરતીમાં સંમેલિત થયા હતા.