સેલવાસના ઝંડા ચોક ખાતે રૂા. 76 કરોડના ખર્ચથી નિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા સંકુલ એક સાથે 11472 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી એક માત્ર દેશની સરકારી સંસ્થા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સેલવાસના ઝંડાચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર અને યાત્રીનિવાસ પાસે ફલાય ઓવરના નીચે બનાવવામાં આવેલસ્પોર્ટ્સ એરીનાના બીજા ફેઝના લોકાર્પણ માટે યોજાયેલા સમારંભને સંબોધન કરતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રારંભમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના જીવન-કવન ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહામહિમ રાષ્ટ્રપતિના જીવનમાં સંઘર્ષથી સફળતા સુધીની મહાન યાત્રા રહી છે. તેમણે પોતાના જીવનમાં અનેક કિર્તીમાનો સ્થાપિત કર્યા છે. તેમનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયી રહ્યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રૂા.271 કરોડના ખર્ચથી 22 સ્કૂલોનું નિર્માણ પ્રદેશમાં કરવામાં આવ્યું છે. જેનાથી 40,170 વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રદેશની તમામ 302 પ્રાથમિક વિદ્યાલયોમાં બાલવાટિકાઓની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 6619 વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંકુલનું નિર્માણ રૂા.76 કરોડના ખર્ચથી થવાની સાથે આ સંકુલ પ્રદેશનો સૌથી મોટો અને આધુનિક સ્માર્ટ ક્લાસ સુવિધાઓથી યુક્ત હોવાનું જણાવ્યું હતું. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમના કુલ 11472 વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા છે. ભારતભરની સરકારી શાળાઓમાં એક સંકુલમાં આટલા વિદ્યર્થીઓ એક સાથેઅભ્યાસ કરતા હોય એવી એકમાત્ર આ સંસ્થા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.