(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી તાલુકાના ખુડવેલ ગામના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલ રજા લઈને વતન આવેલા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સીઆરપીએફ જવાન હેમંતભાઈ પટેલને નિવૃત્તિના બે જ વર્ષ બાકી હતા ત્યારે અચાનક નિધન થયું હતું.
હેમંતભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ-41) (રહે.ખુડવેલ તા.ચીખલી જી.નવસારી) દેશની સીઆરપીએફ ફોર્સમાં શ્રીનગર માં 117-બટાલિયનમાં સિપાહી જનરલ ડ્યુટીમાં ફરજ બજાવતા હતા. તેઓ ગત 26/10/2024 ના રોજ મહારાષ્ટ્ના લાતુર સ્થિત આરટીસી ટ્રેનીંગ સેન્ટરથી રજા લઈને ઘરે આવ્યા હતા. આ દરમ્યાન ગતરાત્રે તેમને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરાટ થતા ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ત્યાં ફરજ પરના તબીબે હેમંતભાઇને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સ્થાનિક ધારાસભ્ય નરેશભાઈ પટેલ, તાલુકા સભ્યમહેશભાઈ ફડવેલના સરપંચ પતિ હરીશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. હેમંતભાઈ પટેલ સીઆરપીએફમાં 2007 ના વર્ષથી જોડાયા હતા. અને નિવૃત્તિના બે જ વર્ષ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. તેમનું 41-વર્ષની ઉંમરે અકાળ નિધનથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેઓ તેમની પાછળ પત્ની, એક સંતાન, બહેન, માતા-પિતા સહિતના પરિવારને વિલાપ કરતા છોડી જતા ગમગીની ફેલાઈ હતી.
હેમંતભાઈનું પુરા રાજકીય સન્માન સાથે અંતિમવિધિ માટે તજવીજ હાથ ધરાઈ હતી.
