તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ
પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાંનામ નોંધાવવા સૂચન કરાયુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય દ્વારા રાજ્યભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.17/11/2024 (રવિવાર), તા.23/11/2024 (શનિવાર) તથા તા.24/11/2024 (રવિવાર) ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણેય દિવસે રાજ્યભરનાં તમામ મતદાન મથકો પર સવારે 10-00 કલાકથી સાંજના 05-00 કલાક દરમ્યાન મતદારો તેમના વિસ્તારના મતદાન મથક પર મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે. આ સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકશે.
મહત્તમ મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 1લી જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, વલસાડ દ્વારા જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાંઆવી છે.
પાત્રતા ધરાવતા યુવાનો અને વધુ વયજુથ ધરાવતા નાગરિકો મતદારયાદીમાં નામ નોંધાવવા અંગે તથા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in અને Voter Helpline મોબાઈલ એપ પર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.