શિબિરાર્થીઓને 10 જડી બુટ્ટીનો ઉકાળો તેમજ ડાયાબીટીસ અનુરૂપ આહારની સમજ પણ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત”નું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આજથી તા.14 નવેમ્બરના રોજ સવારે 6 કલાકે વલસાડના તિથલ ખાતે સોલ્ટી રિસોર્ટની સામે ગ્રામ પંચાયતના મેદાન પર યોગ શિબિરનો શુભારંભ થયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું જેમાં આસન, પ્રાણાયામ, એકયુપ્રેશર, આહાર ચર્યા, દિનચર્યા અને મનોવ્યાપારના વિષયની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ વલસાડ, તિથલ રોડના પ્રેસિડેન્ટ તથા એમની ટીમહાજર રહી હતી અને એમના તરફથી શિબિરાર્થીઓને ડાયાબિટીસ અનુકૂળ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. વાઘલધરા સ્થિત શ્રી આર એમ ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર અને ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા 10 જડીબુટ્ટીનો કાઢો પીવડાવવામાં આવ્યો હતો. મેડિકલ ઓફિસર સુમિતભાઈ તરફથી વિવિધ જડીબુટ્ટીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેનિથ ડોક્ટર હાઉસ તરફથી દરેક શિબિરાર્થીને ટીશર્ટ આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય શાખા તરફથી દરેક દર્દીનું બ્લડ સુગર ચેક કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ડાયાબીટીસના દર્દીઓએ આ યોગ શિબિરમાં લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વલસાડ, તિથલ રોડના પ્રેસિડેન્ટ યોગેશભાઈ દેસાઈ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રીટાબેન દેસાઈ, પતંજલિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય, દક્ષિણ ઝોનના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડના સેક્રેટરી, સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર અને યોગકોચ શીતલબેન ત્રિગોત્રા અને દક્ષાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ યોગ કોચ મનિષાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન જિલ્લા કો-ઓર્ડિનેટરપ્રીતિબેન વૈષ્ણવના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરોએ જહેમત ઉઠાવી હતી.