વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાંસદા તાલુકાના સરા ગામે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું વર્ચ્યુલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.15: કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે ‘‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતા હેઠળ બિહાર રાજ્યના જમુઈ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયોહતો. જેના ભાગરૂપે આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે આદિજાતિ વિસ્તારના ગામે ગામ પીએમ-જનમન મહાઅભિયાન હેઠળ દરેક લાભાર્થીને યોજનાનો લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ-જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે. આદિવાસી સમાજ સશકત અને મજબૂત બને તે માટે અનેક યોજનાઓ શરૂ કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રસ્તા, આરોગ્ય, સિંચાઈ જેવી સુવિધાઓ આદિવાસી પરિવારોને મળી રહે તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. છેવાડેરહેતા આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો મુખ્ય સંકલ્પ આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને અને વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે.