(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી શરૂ કરવામાં આવેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને સ્વચ્છ સર્વેક્ષણ 2023 હેઠળ સેલવાસ શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ, તંદુરસ્ત બનાવવા માટે સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ ઉપક્રમોનો આરંભ કરાયો છે.
જેની કડીમાં આજે દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીની ઉપસ્થિતિમાં ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદેના નેતૃત્વમાં ન.પા. દ્વારા એરો ફાઈબર પ્રાઈવેટ લિમીટેડ કંપનીની સહાયતાથી સી.એસ.આર. અંતર્ગત ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલીસી માટે સેલવાસ ન.પા. ખાતે શિબિરનુંઆયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ન.પા.ના તમામ સેનીટેશન કર્મચારીઓ જેમાં સફાઈકામદાર, સુપરવાઈઝર, સેનિટરી ગાર્ડ તથા ડ્રાઈવરોને પોલીસીનો લાભ આપવામાં આવ્યો હતો.
અત્રે યાદ રહે કે, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકો માટે ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલીસી શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોસ્ટ ઓફીસ દ્વારા ગ્રાહકો માટે 399ના વાર્ષિક પ્રીમિયરના દરે પોલીસીની શરૂઆત કરેલ છે. રૂા.399ના વાર્ષિક પ્રીમિય ઉપર દુર્ઘટનાથી મૃત્યુ, દુર્ઘટનાના કારણે કાયમી વિકલાંગતા, આંશિક વિકલાંગતા, અંગવિચ્છેદન, પેરાલાઈસીસ થવા પર 10લાખ રૂપિયા સુધીનો આઈપીડી તબીબી ખર્ચ અને 30 હજાર રૂા. સુધીની તબીબી ઓપીડીનો લાભ લઈ શકાય છે.
પ્રીમિયર ભરનાર લાભાર્થી વધુમાં વધુ બે બાળકને શિક્ષણ માટે 10 ટકા લાભ મળશે. સાથે હોસ્પિટલમાં દાખલ રહેવા દરમ્યાન દરરોજ એક હજાર રૂપિયા પ્રતિ દિવસ અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા દર્દીને મળશે. જેમાં પરિવહન સંબંધી અને અંતિમ સંસ્કાર સંબંધી પણ લાભ મળશે.