કાવેરી નદીના તટે 53 વર્ષ પહેલાં બ્રહ્મદેવ બાપાના મંદિરનુ નિર્માણ ઉકાભાઈ ઢેડકા પટેલ દ્વારા કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: વંકાલમાં સુંદર ફળિયાથી આગળ કાવેરી નદીના તટે એકાંત અને રમણીય વિસ્તારમાં વર્ષો પૂર્વે નાંદરખાના ઉકાભાઈ ઢેડકાભાઈ પટેલ દ્વારા બ્રહ્મદેવ બાપાના મંદિરનું નિર્માણ કરાયું હતું. વંકાલ ગામ અને આસપાસના ગામોના અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર બનેલ બ્રહ્મદેવ બાપાનું અંદાજે 39-લાખ રૂપિયાના ખર્ચે પૌરાણિક મંદિરની બાજુમાં સન.2021 માં નવા મંદિરનું નિર્માણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો આજે ત્રીજા પાટોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહઅને આનંદ જોવા મળી રહ્યો હતો. યુવાનો દ્વારા રંગ બે રંગી ફૂલ અને લાઇટથી બાપાનો અને મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી બ્રહ્મદેવ બાપાની પૂજા-અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે વહેલી સવારે શરૂ થયેલ રૂદ્ર યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. મહા આરતી બાદ યોજાયેલ મહાપ્રસાદનો પણ હજ્જારોની સંખ્યામાં ભક્તોએ લાહ્વો લીધો હતો. બ્રહ્મદેવ બાપામાં અતૂટ શ્રધ્ધા ધરાવતા અનેક શ્રધ્ધાળુઓએ મન મુકીને દાનની સરવાણી વહેડાવી હતી.