(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : 1987માં ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળતાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા સફળ રહેલ દમણ અને દીવ માટે એક લોકસભાની બેઠક ફાળવવામાં આવી હતી. 1987માં લોકસભાની દમણ અને દીવ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)નો ભવ્ય વિજય થયો હતો.
1987થી લઈ 2024 સુધી લોકસભાની દમણ અને દીવ બેઠકમાં શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), શ્રી દેવજીભાઈ ટંડેલ(અપક્ષ અને ભાજપ), શ્રી ડાહ્યાભાઈ પટેલ(કોંગ્રેસ), શ્રી લાલુભાઈ પટેલ(ભાજપ) અને શ્રી ઉમેશભાઈ પટેલ(અપક્ષ)ને લોકસભામાં પોતાના પ્રદેશના પ્રતિનિધિત્વ માટે તક મળી છે. આમ, 1987થી 2024 સુધીના 37 વર્ષમાં દમણ અને દીવને કુલ પાંચ સાંસદો નશીબ થયા છે.
ગુજરાતીમાં કહેવત છે કે, ‘દિકરાના લક્ષણ પારણાંમાં અને વહુના લક્ષણ બારણાંમાં’ તે રીતે સાંસદોના પ્રથમ છ મહિના તપાસવામાં આવે તો હાલની રાજનીતિ અને પ્રદેશનું ભવિષ્ય ક્યાં જશે અને કેવું રહેશે તેની આછેરી ઝલક મળી શકે છે.
શ્રી ગોપાલ દાદાએ સાંસદ તરીકે પોતાના છ મહિનામાં દમણના તત્કાલિન કલેક્ટર શ્રી એમ.એસ. ખાન સાથે મળીદમણ-દીવના પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસનો પાયો નાંખવાની શરૂઆત કરી હતી. તેમણે શરૂઆતના છ મહિનામાં યુવાનોમાં પણ એક આશાનું કિરણ ઉત્પન્ન કર્યું હતું.
શ્રી દેવજીભાઈ ટંડેલ 1989માં અપક્ષ તરીકે વિજેતા બન્યા હતા. વિજેતા બન્યા બાદ શ્રી દેવજીભાઈ ટંડેલે દમણના ટેક્ષી સ્ટેન્ડ ખાતે એક જાહેર સભા બોલાવી લોકસભામાં કયા પક્ષને સપોર્ટ કરવો તે બાબતે લોકોના અભિપ્રાય જાણવાની કોશિશ કરી હતી અને લોકોએ એક સૂરે શ્રી દેવજીભાઈ ટંડેલને દેશમાં જે પક્ષ સરકાર બનાવે તેને સપોર્ટ કરવા કહ્યું હતું. તે રીતે શ્રી દેવજીભાઈ ટંડેલે લોકસભામાં વી.પી.સિંહ સરકારને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
1999માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલનો વિજય થયો હતો. ચૂંટણીનું પરિણામ 6 ઓક્ટોબર, 1999ના રોજ જાહેર થયું હતું. કેન્દ્રમાં ભાજપ શાસિત અટલ બિહારી વાજપેયી સરકારનું ગઠન થયું હતું. કેન્દ્રમાં કોંગ્રેસના વિરોધ પક્ષની સરકાર હોવા છતાં દમણ અને દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે 19મી ડિસેમ્બર, 1999ના રોજ દમણ અને દીવના મુક્તિ દિનના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે પોતાનું વક્તવ્ય આપવાનો આદેશ ભારત સરકાર પાસેથી લાવવા સફળ રહ્યા હતા. આ પહેલાં દમણ અને દીવ મુક્તિ દિન સમારંભમાં ફક્તપ્રદેશના પ્રશાસક જ સંબોધતા હતા. જ્યારે દાદરા નગર હવેલીના મુક્તિ દિવસ 2 ઓગસ્ટના રોજ પ્રશાસકશ્રીની સાથે સાંસદને પણ સરકારી જાહેર સમારંભમાં વક્તવ્ય આપવાની તક મળતી હતી. જેનું પુનરાવર્તન દમણ અને દીવમાં કરાવવા તત્કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ સફળ રહ્યા હતા.
2009માં શ્રી લાલુભાઈ પટેલ ભાજપના પ્રતિક ઉપર પ્રચંડ બહુમતિથી વિજેતા બન્યા હતા. 2009માં પણ 1999 જેવી સ્થિતિ હતી. કેન્દ્રમાં કોંગ્રેસ શાસિત યુ.પી.એ.ની શ્રી મનમોહન સિંઘ સરકાર કાર્યરત હતી. શ્રી લાલુભાઈ પટેલ એમના પૂરોગામી બંને સાંસદો કરતાં ઓછું ભણેલા હોવા છતાં તેમણે પોતાના પ્રથમ છ મહિનામાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને નગર પાલિકા ઉપર વહીવટી અને નાણાંકીય અંકુશ લગાવવા સફળ રહી પોતાની ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો હતો.
દમણ અને દીવના વર્તમાન સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના છ મહિના આગામી 4 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યા છે. પોતાના ચારેય પૂરોગામી સાંસદો કરતા છેલ્લા પાંચ મહિનામાં લોકસભામાં અનેક વખત રજૂઆતો અવશ્ય કરી છે, પરંતુ તેમની રજૂઆતોનું પરિણામ અત્યાર સુધી દેખાતું નથી.
શ્રી દેવજીભાઈ ટંડેલે 1989માં અપક્ષ તરીકે વિજેતા બન્યા બાદ પોતાના ટેકેદારો સહિત દમણ અને દીવના લોકોને પૂછીને તેમણે વી.પી.સિંહની જનતા દળસરકારને ટેકો આપ્યો હતો. તેની સામે વર્તમાન સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે લોકસભામાં ભાજપનું સમર્થન અવશ્ય કર્યું છે પરંતુ તેમણે આ બાબતમાં પોતાના ટેકેદારોને વિશ્વાસમાં લીધા હતા કે નહીં તે કળવું મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે, શ્રી ઉમેશભાઈ પટેલ અપક્ષ તરીકે દૂધ અને દહીં બંનેમાં રહીને લાભ ખાટવાની કોશિષ કરતા હોવાનું દેખાય છે.
આમ જોવા જઈએ તો શરૂઆતના છ મહિનાનો સ્ટ્રાઈક રેટ વર્તમાન સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલનો સૌથી કંગાળ છે. કારણ કે, શ્રી ગોપાલ દાદા, દેવજીભાઈ ટંડેલ, ડાહ્યાભાઈ પટેલ અને શ્રી લાલુભાઈ પટેલે પોતાની શરૂઆતની ઈનિંગ ખુબ જ જવાબદારીના ભાન સાથે રમી હતી. તેની સામે વર્તમાન સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ હાલના સંજોગોમાં ક્યાં ઉભા છે અને આવનારા સમયમાં જોગ અને સંજોગ કેવા કરવટ લેશે તે હવે સમજવું સમજથી પર દેખાય છે.
