દાદરા નગર હવેલીના કરાડ સ્થિત પોલીટેક્નિક કોલેજના કેમ્પસમાં હર્ષોલ્લાસ સાથે યોજાયો ભવ્ય અને રંગારંગ સમાપન અને પુરસ્કાર સમારોહ
ટેબલ ટેનિસની અંડર-17 બોયઝ અને ગર્લ્સની સ્પર્ધામાં પશ્ચિમ બંગાળના દેબારાજ ભટ્ટાચાર્યએ અને તમિલનાડુની કુ.બી.આર.નન્દિનીએ જીત્યો ગોલ્ડ મેડલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારાકેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમત ગમત અને યુવા બાબતોના વિભાગ અને પ્રશાસનના સહયોગથી સંઘપ્રદેશમાં પ્રથમ વખત 68મી રાષ્ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્સ) ટુર્નામેન્ટ 2024-25નું આયોજન દાનહની સરકારી પોલિટેકનિક કોલેજ, કરાડ ખાતેના કેમ્પસમાં કરવામાં આવ્યું હતું જેના સમાપન અને ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમનું આજે ભારે ઉત્સાહ સાથે રમત-ગમત અને યુવા બાબતોના નિર્દેશક અને સંયુક્ત સચિવ શ્રી અરૂણ ગુપ્તાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં ટી.એસ.ઓ. શ્રી દેવરાજસિંહ રાઠોડે કાર્યક્રમના અધ્યક્ષ રમત ગમત અને યુવા બાબતોના વિભાગના નિર્દેશક/સંયુક્ત સચિવ શ્રી અરુણ ગુપ્તાનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. ત્યાર પછી, કાર્યક્રમના અધ્યક્ષપદે શ્રી અરૂણ ગુપ્તાએ તેમના ભાષણમાં સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દાનહ જિલ્લામાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા નગર હવેલીમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SGFI)ના સહયોગથી અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ અનેતમામ રેફરી, અમ્પાયરો, કોચ અને ખેલાડીઓની મહેનત, સમર્પણ અને યોગદાનને કારણે આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ ટૂર્નામેન્ટમાં આવેલા તમામ કોચ અને રેફરીઓએ તેમના કુશળ અનુભવ દર્શાવતા ફેસિલિટેટર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઇવેન્ટમાં તમામ ખેલાડીઓનું ખુબ જ સારૂં પ્રદર્શન રમત પ્રત્યેની ઉચ્ચ ભાવના દર્શાવે છે. આ પછી, આ ટુર્નામેન્ટના સમાપન પર, તેમણે ફાઈનલ મેચ જીતવા બદલ ટ્રોફી અને મેડલ મેળવનાર તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારબાદ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ટી.એસ.ઓ. શ્રી દેવરાજસિંહ રાઠોડે ગર્લ્સ (અંડર-17)માં પ્રથમ સ્થાન મેળવવા માટે તમિલનાડુની કુ. બી. આર. નંદિનીના ગળામાં ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માનિત કરવામાં આવી હતી. દ્વિતીય ક્રમ મેળવવા બદલ પશ્ચિમ બંગાળની કુ. દિપાન્નીતા સાહાને સિલ્વર મેડલ પહેરાવ્યો હતો અને તૃતીય ક્રમ મેળવનાર સી. આઈ. એસ. ઈ.ની કુ. સુકૃતિ શર્માને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારપછી, ગર્લ્સ (અંડર-17)ની ઉપરોક્ત ત્રણ વિજેતા ખેલાડીઓને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અરુણ ગુપ્તાના હસ્તે ટ્રોફીથી સન્માનિત કરાયા હતા.
આ પછી, ટેબલ ટેનિસ(અંડર-17 બોયઝ) ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પ્રથમ ક્રમેવિજેતા બનેલા પશ્ચિમ બંગાળના શ્રી દેબરાજ ભટ્ટાચાર્યને મદદનીશ શારીરિક અધિકારી શ્રી અક્ષય કોટલવારે સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કર્યા હતા. જ્યારે ચંદીગઢના વિશાલ ગર્ગને બીજું સ્થાન મેળવવા બદલ સિલ્વર મેડલ અને ત્રીજું સ્થાન મેળવવા બદલ તેલંગાણાના મિદેલા આયુષ રેડ્ડીને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણે વિજેતા ખેલાડીઓને સમારોહના અધ્યક્ષ શ્રી અરુણ ગુપ્તાના હસ્તે ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે રમત-ગમત અને યુવા બાબત વિભાગ મદદનીશ શારીરિક અધિકારી શ્રી અક્ષય કોટલવાર સૌનો આભાર વ્યક્ત કર્યો અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા રમત-ગમત અને યુવા બાબત વિભાગના ટી.એસ.ઓ. શ્રી દેવરાજસિંહ રાઠોડ અને શ્રી શેખ ઝુલ્ફીકારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમમાં એસ.જી.એફ.આઈ. પ્રતિનિધિ શ્રી નઈમ અહેમદ અને આઈ.એચ.એમ.સી.ના પ્રિન્સિપાલ શ્રીમતી આયેશા સિદ્દીકી, વિવિધ 33 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો/એકમોના રેફરી અને અમ્પાયરો અને ટીમની સાથે કોચ અને ખેલાડીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 462 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સમાપન રંગેચંગે અને આનંદ-ઉલ્લાસની કરવામાં આવ્યું હતું.