બાન્દ્રા-ભૂજ ટ્રેનમાં મુસાફરી કરતો હોવાની બાતમી મળતા રેલવે જી.આર.પી.એ વાપીથી દબોચી લઈ વલસાડ રેલવે પોલીસને સોંપ્યો
મૂળ હરિયાણાના રાહુલ નામના આ સીરીયલ કિલરે છેલ્લા 25 દિવસમાં પાંચ જેટલી હત્યાઓ કરી હોવાની કરી કબૂલાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવનારા પારડી મોતીવાડા રેલવે ટ્રેક નિશાળ ફળિયા ખાતે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતીની લાશ ઉદવાડા રેલવે ટ્રેક નજીક અવાવરું જગ્યાએ આંબાવાડીમાંથી મળી આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા તેનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા આ યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળુ દબાવી હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના સ્થળેથી મળી આવેલ કપડા અને બેગ વાળો શંકાસ્પદ વ્યક્તિ આ ઘટના પહેલા વાપી રેલવે સ્ટેશન નજરે ચઢતા પારડી સહિત સમગ્ર જિલ્લાની તમામ વિભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ મળી 300 જેટલા પોલીસકર્મીઓની 10 જેટલી ટીમો બનાવી સુરત આઈજી તથા વલસાડ પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની રાહબરી હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન જેવા રાજ્યોનારેલવે સ્ટેશનના 2000થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાતા વાપી બાંદ્રા દાદર જેવા રેલ્વે સ્ટેશને આ આરોપીના સ્પષ્ટ ફોટોગ્રાફ પોલીસે શોધી કાઢી આ ફોટોગ્રાફ મુંબઈ તથા ગુજરાત સહિતની જેલોમાં તપાસ કરાતા લાજપોર સેન્ટ્રલ જેલમાંથી આ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમ વીર જાટ રહે. મોખરા, ખાસિયાના શ્યામ, જિલ્લા રોહતક, હરિયાણાનો હોવાનું જાણ થતા અને આ વ્યક્તિ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું અને રખડતો ભટકતો રેલવેમાં મુસાફરી કરતો હોવાની જાણ થતા વલસાડ પોલીસે રેલવે પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશન કરી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન તારીખ 24-11-2024ના રોજ આ આરોપી બાંદ્રા થી ભૂજ જતી ટ્રેનમાં આવી રહ્યો હોવાની બાતમી મળતા અને વાપી રેલવે સ્ટેશન ઉતરતા વાપી જીઆરપીએ તેને દબોચી લઈ વલસાડ પોલીસને સોંપવામાં આવ્યો હતો
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે અગાઉ પારડી, ઉદવાડા હાઇવે પર આવેલ એક હોટલમાં નોકરી કરતો હોય જેના પગારના બાકી નીકળતા પૈસા લેવા માટે તારીખ 14-11-2024ના રોજ મુંબઈથી વાપી ટ્રેનમાં બેસી ઉદવાડા સ્ટેશન ખાતે ઉતરેલ અને સ્ટેશનથી ચાલતો જતો હતો તે દરમિયાન આ યુવતી મળતા તેનું મોઢું દબાવી અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેનુંગળું દબાવી હત્યા કરેલ હોવાનું કબૂલ્યું હતું.
આ ઉપરાંત તેણે તારીખ 25-10-2024ના રોજ બેંગ્લોર થી મુદેશ્વર જતી ટ્રેનમાં એક અજાણ્યા ઈસમનું ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી હતી. તારીખ 19-11-2024ના રોજ પヘમિ બંગાળ હાવડા ખાતે ક્તિહાર એક્સપ્રેસ ટ્રેનમાં પણ એક પુરુષની હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત પુણે કન્યાકુમારી ટ્રેનમાં પણ એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેનું ગળું દબાવી હત્યા કરી લૂંટ ચલાવી હતી. આમ છેલ્લા 25 દિવસમાં આ સીરીયલ કિલરે પાંચ જેટલી હત્યાઓ કરી હોવાનું કબૂલ્યું હતું. ગુનાહિત માનસિકતા ધરાવતો આ હથિયારો મોટેભાગે ટ્રેનોમાં જ ગુનાઓને અંજામ આપતો હતો. આ આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ, હત્યા મળી 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
વલસાડ પોલીસને આ લૂંટ અને મર્ડરના ગુનેગારને ઝડપવામાં મળેલ ઐતિહાસિક સફળતાને લઈ બીજા અનેક રાજ્યોમાં થયેલ હત્યા અને ગુનાઓનો ભેદ પણ ઉકેલવા પામ્યો છે. આગામી તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા રહેલી છે.