(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વાપી પાસેના કરવડ ગામે આવેલ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગતા કામદારોમાં અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી વિસ્તારમાં અનેક ખાનગી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક કાર્યરત છે તે પૈકીનો એક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક કરવડમાં આવેલો છે. દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કથી સુવિખ્યાત છે. આ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી સાગા સીટી વર્કસ પ્રા.લી. નામની કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગી હતી. જોત જોતામાં આગની વિકરાળતા વધી જતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ફાયર બ્રિગેડને મળતાં જ ઘટના સ્થળે ધસી આવેલ અને આગ બુઝાવવાની જહેમત શરૂ કરી દીધી હતી. પરંતુ આગ ખુબ વિકરાળ હોવાથી કાબુ કરવા ખુબ જહેમત કરવી પડી રહી હતી. ઘટના બાદ ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. મામલો સંભાળી લીધો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગને લઈ સ્થાનિકોમાંસુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ હતી. આગની સ્થિતિ વચ્ચે કામદારોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામેલ નહોતી.
