આવનાર સમયમાં સ્થાનિકોને નિયમિત ગુણવતા સભર વીજ પુરવઠો મળવા સાથે મોટી રાહત થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પંથક તેમજ આસપાસના થાલા, ખૂંધ સહિતના ગામોમાં ઓવરહેડ વિજતારોના જટિલ માળખાના કારણે ઘણીવાર સામાન્ય પવન કે અકસ્માતે ફોલ્ટ સર્જાવા સાથે વીજપુરવઠો અવાર નવાર ટ્રીપ થતો હોય છે અને આવી સ્થિતિમાં અકસ્માતનું જોખમ પણ વધુ રહે છે. તેવામાં હાલે ડિજીવીસીએલ ચીખલીના સબ ડિવિઝન ખૂંધ કોલેજથી થાલા, બગલાદેવથી ચીખલી રેફરલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સહિતના સાત કિલોમીટરની લંબાઇમાં 3.62 કરોડ રૂપિયાના ખર્ચે હાઈટેન્શન લાઇન અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત સમરોલી ફીડરમાં હાઇવે ચાર રસ્તા, હાઇસ્કૂલ શોપિંગ જલારામ ખમણસહિતના વિસ્તારમાં વિજતારના સાથે ઓવર હેડ કંડકટ કેબલ નાંખવાનું પણ વીજકંપની દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઉપરોક્ત કામગીરી બાદ ચીખલી તથા આસપાસના ગામોમાં અવાર નવારની વીજ ટ્રીપથી લોકોને છુટકારો મળવા સાથે નિયમિત પણે વીજપુરવઠો મળશે અને લોકોની સલામતીમાં પણ વધારો થશે તે ચોક્કસ છે.