ફેબ્રુઆરી-24માં ભરાઈ કરતા સમયે સ્લેબ ધરાશયી થતા આઠ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા કોન્ટ્રાક્ટર અને એસટીના ઈજનેરોની ઘોર બેદરકારી સામે આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.26: ચીખલી એસ.ટી બસ સ્ટેશન કે જે નેશનલ હાઈવેની નજીક હોવા સાથે રાજ્ય અને આંતર રાજ્યની સંખ્યાબંધ ટ્રીપો અને મુસાફરોથી ધમધમતો હોય છે. આ બસ સ્ટેશનનું અઢી કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એસટી નિગમના ઇજનેરો અને એજન્સીની બેદરકારી ભર્યા કારભાર વચ્ચે 16-ફેબ્રુઆરી-24 ના રોજ સ્લેબ ભરતી વખતે ચાલુ કામે સ્લેબનું માળખું અચાનક ધરાશયી થતા નાસભાગ મચી જવા પામી હતી. અને આ ઘટનામાં આઠ જેટલા શ્રમિકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાહતા.
આ દરમ્યાન એસટી નિગમના અધિકારીઓ દ્વારા સ્થળ પરથી કોન્ક્રીટ તથા રેતી, કપચી, સળિયા, સિમેન્ટના નમૂના લેવાયા હતા અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરીમાં મોકલાયો હતો. તેમ છતાં મધ્યસ્થ કચેરીએથી કોઈ નિર્ણય ન લેવાતા બનાવના આજે નવ માસ કરતા વધુ સમય વીતવા છતાં બાંધકામ અધ્ધરતાલ હાલતમાં જ છે. ભરતી વેળા સ્લેબ ધરાશયી થવાના બનાવ બાદ બંધ પડેલ કામ આજદિન સુધી શરૂ થયું નથી. જેને લઈને એસટી નિગમના કારભાર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
બે વર્ષથી વિકાસ પર બ્રેક લાગતાં પતરાના શેડમાં મુસાફરો શેકાય રહ્યા છે
ચીખલી એસટી બસ સ્ટેશનના બાંધકામનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર-22 માં થયું હતું. તે પહેલાથી બસ સ્ટેશન નાનકડા પતરાના શેડમાં ધમધમી રહ્યું છે. આ બસ સ્ટેશન ઉપર રાજ્ય, આંતર રાજ્યની દૌનિક 775 ની આસપાસની બસની ટ્રીપો કાર્યરત હોય બસો અને મુસાફરોથી બસ સ્ટેશન ધમધમતું હોય છે. તેવામાં પતરાના શેડમાં ધમધમતા બસ સ્ટેશનમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવા સાથે તેનો ગેરલાભ અસામાજિક તત્વો પણ ઉઠાવતા હોય છે. તેવામાં ઝડપથી એસટી બસ સ્ટેશનનું નિર્માણ થાય તે જરૂરી છે.
કરોડો રૂપિયાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતાં સ્લેબ ધરાશાયીથયો હતો
ચીખલી એસટી બસ સ્ટેશનના ચાલુ બાંધકામે સ્લેબ ધરાશયી થવાના બનાવમાં એસટી નિગમના બાંધકામ શાખાના જવાબદારો અને એજન્સી સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે. પરંતુ બનાવના નવ માસ વિતવા છતાં કોઈ નિર્ણય ન લેવાતો હોય ત્યારે એસટી નિગમના વહીવટ કર્તાઓ સામે આવી અપેક્ષા નકામી જણાઈ રહી છે. તેવામાં કરોડો રૂપિયાના કામમાં બાંધકામની ગુણવતા સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે.
સેન્ટ્રલ ઓફિસેથી કામ ચાલુ કરવાની મંજૂરી આવી નથીઃ નાયબ ઈજનેર
એસટી નિગમના નાયબ ઇજનેરનો 6359918782 નંબર પર સંપર્ક કરતા તેમણે ચીખલી બસ સ્ટેશનના બાંધકામ બાબતે સેન્ટ્રલ ઓફિસેથી કામ ચાલુ કરવાની મંજૂરી આવી નથી. માલ સામાનનો રિપોર્ટ અને ડોકયુમેન્ટ સેન્ટ્રલ કચેરીવાળા લઈ ગયા છે. તેમનું નામ પૂછતા તેમણે અમે અમારું નામ જાહેર કરતા નથી તેમ જણાવ્યું હતું.