કાચ તૂટતાં 70 થી 80 ફૂટ નીચે પટકાયેલા ક્લીનરનું ઘટના સ્થળે મોત, ડ્રાઇવરનાો ચમત્કારિક બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર ગઇકાલે બુધવારની રાત્રે સુરત થી મુંબઈ તરફ જઈ રહેલ કન્ટેનર નંબર એનએલ 01 એએફ 5055 ને ડ્રાઇવર હાશિમ દિલસાદ મેવાનીએ ગફલતભરી અને પુરપાટ ઝડપે હંકારતા આ કન્ટેનર વિરામ હોટલ ક્રોસ કર્યા બાદ રોહિત ખાડીના પુલ પર ડિવાઇડર પર ચઢી પલટી મારી જતા બંને પુલ વચ્ચે જઈ ખાડીમાં ખાબકતા માંડ માંડ બચ્યું હતું. પરંતુ કન્ટેનરનો કેબીનનો ભાગ બંને પુલના વચ્ચેના અધ્ધર લટકયો હતો. જેને લઈ કન્ટેનરમાં સવાર ક્લીનર અરશદ નન્નેખા કન્ટેનરનો કાચ તૂટતાં કેબિનમાંથી નીકળી પુલ પરથી 70 થી 80 ફૂટ નીચે ખાડીમાં પટકાયો હતો. જેને 108 મારફતે પારડી સીએચસીખાતે લઈ જવાતા ગંભીર ઈજાને લઈ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો જ્યારે ડ્રાઇવરના ચમત્કારિક બચાવ થયો હતો.
અકસ્માતને લઈ પારડી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે પારડી પોલીસ તથા હાઇવે પેટ્રોલિંગ કરતી વાન ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને હળવો કરવાની મથામણ હાથ ધરી હતી.
આ ઘટના સ્થળે અગાઉ પણ આ રીતે અનેક અકસ્માતો સર્જાઈ ચુકયા છે જેનું મુખ્ય કારણ અહીં બનાવવામાં આવેલ ડિવાઈડર ખૂબ નાના હોય રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની લાઈટના કારણે નજરે ન ચઢતા મોટા વાહન ચાલકો કાબુ ગુમાવી ડિવાઇડર પર ચઢી જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ બનતા અકસ્માતોને રોકવા માટે હાઈવે ઓથોરિટી અહીં મોટા ડિવાઇડર અને રિફલેકટર લગાવે તે જરૂરી છે.
આ અકસ્માતની તપાસ પારડી પોલીસ સ્ટેશનના એએસઆઈ યોગેશભાઈ ચંદુભાઈ કરી રહ્યા છે.

