વિજેતા 4 વિદ્યાર્થીઓને રૂ.1 લાખનું ઈનામ આપવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વાપીની ‘‘સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનીટી” દ્વારા સિગ્નેચર ઈવેન્ટ સ્ટાર્ટઅપ સ્ટાર સીઝન- 2 નો ઈનામ વિતરણ સમારોહ ખાનગી હોટલમાં યોજાયો હતો. જિલ્લાની 30 શાળા અને 250 કોલેજમાંથી વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 3 વિજેતાઓને રૂ.1,00,000/- નું ઈનામ આપવામાં આવ્યું હતું.
સ્ટાર્ટઅપ વાપી મેન્ટર પાર્થિવ મહેતાએ આ સ્પર્ધા અંગે માહિતી આપતા જણાવ્યું કે, સ્ટાર્ટઅપ સ્ટારએ વિદ્યાર્થીઓ માટે બિઝનેસ આઈડિયાની સ્પર્ધા છે. જેમાં સ્કૂલ તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અંગેના આઈડિયા રજૂ કરવાની તક મળે છે. તેમના બેઝિક આઈડિયાને પ્રેઝન્ટેશન લેવલ સુધી લઈ જવા માટે ‘‘સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનીટી” દ્વારા ટ્રેનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશન ચાર રાઉન્ડમાંથી પસાર થાય છે.જેમાં જ્ઞાનધામ સ્કૂલના અરમાન સૈયદ, રૈના સચદેવા તેમજ રોફેલ ફાર્મસી કૉલેજની કાજલ પુરોહિત અને ઈશા સોલંકી વિજેતા થયા હતાં. જેમને સંધ્યા ગૃપ અને ટર્નિગ પોઇન્ટ ફરનિપાટ કલે આર્ટ દ્વારા રૂ.1 લાખ ઈનામમાં આપવામાં આવ્યા હતા. બેસ્ટ પરફોર્મીગ ઈન્સ્ટિટયુટની રોટેટીંગ ટ્રોફી જ્ઞાનધામ સ્કૂલે હાંસિલ કરી હતી. આ કાર્યક્રમમાં અશોક શુક્લ, પાસ્ટ ઈન્ટરનેશનલ રોટરી પ્રેસિડન્ટ કલ્યાણ બેનરજી, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રફુલ દેવાણી, એસ એસ આર કોલેજથી રાજેશ પાંડે, સ્ટાર્ટઅપ વાપી મેન્ટર પાર્થિવ મહેતા, એડવાઇઝર ભારતી સુમેરિયા, વિવિધ સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તેમજ સ્ટાર્ટઅપ વાપીના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.