રૂપિયા 90 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી આદર્શ બુનિયાદી શાળાની બિલ્ડીંગ અને સ્થાનિક દાતાઓના સહયોગથી રૂપિયા 33 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા સ્વ.કલ્પનાબેન સ્વ.અશ્વિનભાઈ ભીખુભાઈ દેસાઈ હોલનું રાજ્યના કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલું લોકાર્પણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે આજરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની હાજરી વચ્ચે રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રો કેમિકલ કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈએ આદર્શ બુનિયાદી શાળાની નવી બિલ્ડીંગ અને સ્થાનિક દાતાઓનો સહયોગથી નિર્માણ કરવામાં આવેલ બહુ હેતુક હોલનું લોકાર્પણ કરતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈએ ગ્રામજનોની એકતા અને સાર્વજનિક કાર્યમાં અગ્રેસર રહેવાનીભાવનાને બિરદાવી હતી. તેમજ સ્થાનિક દાતાઓની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીઓને આપવામાં આવી રહેલી પ્રાથમિકતાનો પરિચય આપતા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમલમાં મૂકેલી નીતિનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકરે સમગ્ર તાલુકામાં ચાલી રહેલા વિકાસના કામો તેમજ પ્રજાને પીવાના પાણી સહિતની કેટલીક વેઠવા પડી રહેલી મુશ્કેલીઓની વિગતો રજુ કરી હતી અને વીજળી ખર્ચના ભારણથી મુક્તિ મેળવવા સોલર પેનલ લગાવવાની સમજણ આપી હતી. આ પ્રસંગે આર કે મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈએ વલવાડાના સ્થાનિક દાતાઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ દેસાઈ અને શ્રી બીપીનભાઈ વસીની મદદ કરવાની ભાવનાને બિરદાવી હતી.
આજના કાર્યક્રમમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તદુપરાંત રાજકીય આગેવાન જિલ્લા પંચાયતનો સભ્યશ્રી મુકેશભાઈ પટેલ, એસ.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ કાબરીયા, શ્રી કનુભાઈ સોનપાલ, શ્રી પંકજભાઈ બોરલાયવાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.