રૂપિયા 11.32 કરોડના ખર્ચે બાયપાસ રોડની નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા આવેલો આતુરતાનો અંત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઇડીસી અને ગ્રામ્ય વિસ્તારને જોડતો તેમજ અતિ વ્યસ્ત રહેતો બાયપાસ માર્ગનું આજરોજ રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. અતિ બિસ્માર બનેલા આ માર્ગની લાંબા સમયથી નવીનીકરણના કામગીરી માટે જોવામાં આવી રહેલી રાહનો આજરોજ આતુરતાનો અંત આવી જવા પામ્યો છે.
રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોલિયમ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બાયપાસ માર્ગનું ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે જણાવ્યું હતું કે માર્ગના વહીવટી કાર્યમાં આવતી અંતરાયોને દૂર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતીપરંતુ આ કામગીરીને પ્રાથમિકતા આપી પ્રજાની સમસ્યાને જેટલી બને એટલી વહેલી તકે દૂર કરવાનો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માર્ગના નવીનીકરણના કામગીરીમાં ઘણો વિલંબ થતા પ્રજાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. એમની હું વેદનાને જાણું છું. કહીને પ્રજાને વિલંબતાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરે પણ ઉમરગામ તાલુકામાં નિર્માણ થઈ રહેલા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી હતી અને સ્થાનિક પ્રતિનિધિઓને વિકાસના કામમાં ગુણવત્તા જાળવવા માટે ધ્યાન આપવાનું સૂચન કર્યું હતું.
આ પ્રસંગે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર શ્રી જતીનભાઈ પટેલે નિર્માણ થનારા માર્ગની કામગીરી વિશે પરિચિત કરાવતા જણાવ્યું હતું કે આ માર્ગ રૂપિયા 11.32 કરોડના ખર્ચે નિર્માણ થશે. જેમાં રોડની બંને તરફ પ્રિકાસ્ટ આરસીસી ડ્રેનેજ બનાવવામાં આવશે. આ કામગીરી નવ મહિનામાં પૂર્ણ કરવાની છે પરંતુ જરૂરિયાત અને પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખી મે મહિનાના પ્રારંભ સુધી પૂર્ણ થાય એ રીતે કામગીરી તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એવું જણાવ્યું હતું. આજની ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ભાજપના સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીમુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, શ્રી ભરતભાઈ જાદવ, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરશ્રી આનંદભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સેહુલભાઈ પટેલ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી શિરીષભાઈ દેસાઈ વગેરેની હાજરી જોવા મળી હતી.