
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહે દુણેઠા મંડળના નવનિયુક્ત અધ્યક્ષ યોગેશ પટેલને સુપ્રત કર્યો નિયુક્તિ પત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દુણેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણીનો શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યોહતો. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહે ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પણ હાજર રહી કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું.
પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ અને મંડળના ઉપ પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલે શ્રી યોગેશ મંગુ પટેલને મંડળના પ્રમુખ માટે પ્રસ્તાવિત કર્યો હતો. જેમાં દુણેઠાના તમામ 8 બૂથ દ્વારા સર્વ સંમતિથી શ્રી યોગેશ પટેલને મંડળના પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહના હસ્તે નિયુક્તિ પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો.
દરમિયાન દુણેઠા મંડળના અધ્યક્ષ તરીકે શ્રી યોગેશ પટેલની વરણીની જાહેરાત થતાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ બાઈક રેલી યોજી કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતા. જેમાં સંપૂર્ણ માર્ગદર્શન પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલનું રહ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સહિત મોટીસંખ્યામાં ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

