સંઘપ્રદેશના નાણા સચિવ ગૌરવસિંહ રાજાવત અને દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરની રહેલી વિશેષ ઉપસ્થિતિ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરઆંગણે જ થાય તેવી ઉભી કરેલી વ્યવસ્થાના ભાગરૂપે ‘સરકાર આપકે દ્વાર’ કાર્યક્રમોનું થઈ રહેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરઆંગણે જ થાય એવી ઉભી કરેલી વ્યવસ્થાના ભાગરૂપે દાદરા નગર હવેલીમાં દરેક પંચાયત દીઠ લોક દરબારના આયોજનો થઈ રહ્યા છે. જેમાં ઊંડાણના ગામોમાં રહેતા આદિવાસી ભાઈ-બહેનોને પોતાના પ્રશ્નોનું સમાધાન પોતાના આંગણે જ થતાં ખુબ મોટો લાભ થઈ રહ્યો છે અને સેલવાસ સુધી આવવાના ત્રાસમાંથી પણ મુક્તિ મળી છે.
સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને દાનહ કલેક્ટરશ્રી પ્રિયાંક કિશોરની વિશેષ ઉપસ્થિતિમાં તા.09 અને 10મી ડિસેમ્બરના સોમવાર અને મંગળવારે સવારે 11:30 કલાકે દાદરા નગર હવેલીના કૌંચા પંચાયતના દરેક ગામોમાં કૌંચા, મેણધા, આંબાબારી, વાઘચૌડા, ખેરારબારી, કોઠાર,ઘોડબારી, બિલધારી, ગુનસા અને જમાલપાડામાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, પૂર્વ જિ.પં. અધ્યક્ષ શ્રી નિશાબેન ભવર, ગામના સરપંચ, જિ.પં.સભ્ય, વોર્ડ સભ્યો સહિત પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત અને દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે કૌંચા ગ્રામ પંચાયતના ગ્રામીણ ક્ષેત્રમાં રાશનકાર્ડ, વિવિધ આવશ્યક દાખલાઓ, પેન્શન, વીજળી કનેક્શન વગેરેને લગતી ગામલોકોની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી અને એનું સમયમર્યાદામાં સમાધાન કરવા માટે લાગતા-વળગતા વિભાગના અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આજે માટે 11 ડિસેમ્બરે વિશેષ કેમ્પ લગાવવા માટે પણ વિશેષ સૂચન કરાયું હતું.