ચીખલીના બલવાડા ગામે ટેમ્પો ડિવાઈડર ક્રોસ કરી સામે આવી રહેલી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વાપી ખાતે બાયર ડ્રોપ્સ સાયન્સ કંપની આવેલ છે. આ કંપનીના વર્કરો બીલીમોરા-આંતલિયા-ચીખલી વિસ્તારમાં રહેતા હોય કંપની દ્વારા વર્કરોને લેવા અને મુકવા માટે કંપનીની જ બસ રાખવામાં આવી હતી. દરમ્યાન શનિવારની સવારના સમયે રાબેતા મુજબ કંપનીની બસ નં-જીજે-15-એવી-7886 માં 15 થી 20-જેટલા વર્કરોને લઈ વાપી ખાતે જઈ રહ્યા હતા. દરમ્યાન બલવાડા ને.હા.નં-48 ઉપર શાહી ચસ્કા હોટલ પાસે વાપીથી સુરત તરફ જઈ રહેલ ટેમ્પો નં-એમએચ-48-એજી-0049 ના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ડિવાઈડર કુદાવી વાપી તરફ જઈ રહેલી બસ સાથે અકસ્માત સર્જાતા બસમાં સવાર 14-જેટલા વર્કરોને શરીરે નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે 108 ની મદદથી ચીખલીની ખાનગીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટેમ્પો ચાલકને વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવ અંગેની ફરિયાદ બસ ડ્રાઇવર રવિન્દ્ર ભણાભાઈ પટેલ (ઉ.વ-47) (રહે.દેવસર ગણદેવી રોડ નવા ફળીયા (લક્ષ્મી ફળીયા, તા.ગણદેવી જી.નવસારી) એ કરતા પોલીસે આઇસર ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.