(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી ખાતે આજે નેશનલ હાઇવે નં.48 પર એક અનોખી ઘટના બની, જ્યાં નગરપાલિકા દ્વારા દમણગંગા મુક્તિધામ પાસેની પાણી પાઇપલાઇનમાં થયેલા ભંગાણનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ માટે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે એક મોટો અજગર મજૂરોને નજરે ચડ્યો. અજગરને જોઈ કાર્યસ્થળ પર ભારે ખલબલી મચી ગઈ અને મજૂરો કામ છોડીને દૂર થઈગયા.
નગરપાલિકા દ્વારા આ ઘટના અંગે વાપીની જાણીતી એનિમલ રેસ્કયુ ટીમના વર્ધમાન શાહને જાણ કરવામાં આવી હતા. તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે, ખોદકામમાં કોઈ જીવને નુકસાન ન થાય અને મજૂરોની સલામતી પણ જળવાય એ ધ્યાનમાં રાખી રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અજગર ખાડાના એક ખૂણામાં છુપાઈ ગયો હતો, જે તેને બહાર કાઢવાનું કાર્ય વધુ મુશ્કેલ બનતું હતું કેમ કે ત્યાં ઊભા રહેવા માટે પણ વ્યવસ્થિત જગ્યા ન હતી છતાં ટીમની મહામહેનત બાદ તે બહાર કાઢવામાં આવ્યો. આ આશરે 6 ફૂટનો અજગર હતો, જેને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો.
અજગરને બહાર કાઢયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને તેને નજદીકના વન્યક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો છે.
આ દુર્લભ અને રસપ્રદ ઘટનાને લઈને લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી. મજૂરો અને આસપાસના લોકોએ રેસ્કયુ ઓપરેશનના પ્રયાસોની પ્રશંસા કરી અને નગરપાલિકાની તકેદારી બદલ આભાર માન્યો હતો.
આ ઘટના સાબિત કરે છે કે, પ્રકળતિના દરેક જીવ માટે સહિષ્ણુતા અને દયા જરૂરી છે. રેસ્કયુ ઓપરેશન માત્ર એક અજગર બચાવવાનું કાર્ય નહીં, પરંતુ વન્ય જીવન પ્રત્યેનીજવાબદારી અને સંગ્રહનું પ્રતિક હતું.