વાપી, ગુંદલાવમાં બંધ કંપનીઓની કથિત હિલચાલો તેમજ ફાર્મા ડેટાઓની તપાસ : ઉમરગામ, સરીગામમાં પણ તપાસ ચાલુ
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.21
તાજેતરમાં વડોદરા ખાતે બંધ રહેલ કંપનીમાં વિપુલ પ્રમાણમાં એમ.ડી. ડ્રગનો જથ્થો પકડાયા બાદ વલસાડ જિલ્લા પોલીસ પણ એકશન મોડ પર આવી ગઈ છે. વાપી અને ગુંદલાવમાં આવેલ બંધ ફાર્મા કંપનીઓની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વડોદરા અને મુંબઈમાં એમ.ડી. ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેના તાર ક્યાં ક્યાં જોડાયેલા તેની ચાંપતી તપાસ એન.જી.ટી. સહિતની એજન્સીઓએ હાથ ધરી છે તે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ એકશન મોડ ઉપર આવી ગઈ છે. છેલ્લા બે દિવસથી વાપી અને ગુંદલાવ વસાહતમાં આવેલી બંધ ફાર્મા કંપનીઓની તલાસી હાથ ધરી છે. કંપનીઓના ફાર્મા ડેટા, કથિત હિલચાલ સહિત પડોશી કંપનીઓ પાસેથી પોલીસ વિગતો મેળવી રહી છે. વાપી જીઆઈડીસીમાં ભૂતકાળમાં પણ ડ્રગ બનાવવાના મામલા નોંધાયેલા છે. તેમજ વલસાડ જિલ્લામાં ફાર્મા-ડ્રગ, કેમીકલના ઉદ્યોગો વિશેષ પ્રમાણમાં હોઈ પોલીસે તેની ગંભીરતાને ધ્યાને લઈ બંધ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. જાણવા મળ્યા મુજબ આજે રવિવારે સરીગામ, ઉમરગામ વસાહતોની બંધ ફાર્મા, ડ્રગ કંપનીઓમાં સર્ચ ઓપરેશન જારી કરાઈ રહ્યું છે. પોલીસ બંધ કંપનીઓમાં કોણ કોણ અવર જવર કરી રહેલ છે તેની પણ ઝીણવટભરીતપાસ કરી રહી છે. કોઈ શંકાસ્પદ હિલચાલો તો નથી ચાલી રહી ને તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે.
——-