કલવાડાના પતિ-પત્ની બાઈક ઉપર જતા હતા :
પતિ કાન્તિભાઈ પટેલનું ઘટના સ્થળે મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ-ખેરગામ રોડ ઉપર ગત બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે બાઈક સામસામે ભટકાતા એક બાઈક ઉપર સવાર પતિ-પત્ની પૈકી પટકાતા પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની અને અન્ય બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયેલા. બન્નેને સારવાર માટે ખસેડાયા હતા.
ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના કલવાડા ગામે ડુંગરીયા તલસાડી ફળીયામાં રહેતા કાન્તીભાઈ ભીખાભાઈ પટેલ અને તેમના પત્ની બાઈક નં.જીજે 15 ક્યુ 4584 ઉપર વલસાડથી ખેરગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલ સ્પ્લેન્ડર બાઈક નં.જીજે 15 એકે 7870 ના ચાલકે કાન્તિભાઈ અને તેમની પત્ની રોડ ઉપર પટકાઈ ગયા હતા. સામે બાઈક ચાલક પણ પટકાયો હતો. અકસ્માતમાં 60 વર્ષિય કાન્તિભાઈ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને હાથે પગે ફેક્ચર થયા હતા. સામેનો બાઈક ચાલક ભુદાભાઈ નાગરભાઈ પટેલ પણ ગંભીર ઘાયલ થયો હતો તેથી ભુદાભાઈ પટેલ અને કાન્તિભાઈ પટેલને ગંભીર હાલતમાં 108 દ્વારાસારવાર માટે વલસાડ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં બે બાઈકો સામસામે અથડાયાના બનાવો જીવલેણ બની રહ્યા છે. લોકો કેવુ ગફલત ભર્યુ બાઈક ડ્રાઈવિંગ કરે છે. ખરા બપોરે પણ અકસ્માત સર્જાય એ ચિંતાજનક બાબત લેખાવી શકાય.