એન્જિનમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી નજીક મોહનગામ અને કરમબેલા વચ્ચે હાઈવે ઉપર વાપી તરફ આવી રહેલી કારમાં ભીષણ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વાપી હાઈવે મોહનગામ પાસે આજે બુધવારે સાંજના 4 વાગ્યાના સુમારે એક કાર નં.જીજે 15 એવી 4032 વાપી તરફ આવી રહી હતી ત્યારે અચાનક કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કારમાં ધુવાડા જોતા ચાલક સમય સુચકતા વાપરી કારની બહાર નિકળી જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. કારમાં આગ લાગવાનું પ્રાથમિક અનુમાન મુજબ એન્જિનમાં સ્પાર્ક થયો હોવો જોઈએ. સીએનજી ઈંધણ હોવાથી ક્ષણોમાં આગ પકડી લીધી હતી. ઘટનાની જાણ બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડએ કારમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી.