ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પરવાના સસ્પેન્શન તથા
રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાપી તથા વલસાડ ખાતે મેડિકલ સ્ટોરોની આકસ્મિક તપાસ તા.09/12/2024 થી તા.11/12/2024ના રોજ કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરી, દવાઓનું વેચાણ, વેચાણ બીલ વગર દવાઓનું વેચાણ તથા પ્રિસ્ક્રિપ્શન વગરએન્ટીબાયોટીક દવાઓનું વેચાણ કરતા ઝડપાયેલી કુલ 38 દવાની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટીક દવાઓનું વેચાણ થવાથી ડ્રગ રેજીસ્ટન્સ આવવાની શકયતા વધી જાય છે તેમજ સેલ્ફ મેડિકેશનથી આડઅસર થવાની શકયાતાઓ પણ વધી જાય છે જે ગંભીર બાબત છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ કચેરીના ઔષધ નિરીક્ષકો તથા સીનીયર ઔષધ નિરીક્ષકો દ્વારા આ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. કચેરીના મદદનીશ કમિશનર ડો.એ.એસ.ઝાલાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમ બનાવીને મેડિકલ સ્ટોરોની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર દવાની દુકાનોને નોટીસ પાઠવી પરવાના સસ્પેન્શન તથા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી રીતે હજુ વધુ તપાસો કરવામાં આવશે એવુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરે અખબારી યાદીમાં જણાવ્યું છે.