એક રાજ્યના સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દિલ્હી ખાતે ઉપ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય એવી ભારત દેશના ઈતિહાસમાં સંભવતઃ આ પહેલી ઘટના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : આવતી કાલે દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો તથા સરપંચો દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે. એક રાજ્યના સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દિલ્હી ખાતે ઉપ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય એવી ભારત દેશના ઇતિહાસમાં સંભવતઃ આ પહેલી ઘટના છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયત, સેલવાસ, દમણ અને દીવ નગરપાલિકા તથા પ્રદેશના ત્રણેય જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચો સહિત સબંધિત અધિકારીઓ મળી 125 પ્રતિનિધિઓની ટીમ દિલ્હી રવાના થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે પોતાની દમણમુલાકાત દરમિયાન સોમનાથ ગ્રામ પંચાયત ખાતે દમણના સરપંચો તથા જિલ્લા પંચાયત સભ્યોને દિલ્હી ખાતે નવી અને જૂની સંસદ સહિત વિવિધ વિકાસના મોડેલો નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે ભરેલી વિકાસની હરણફાળથી ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ખુબ જ પ્રભાવિત થયા હતા. જેના કારણે દેશના ઇતિહાસમાં સંભવતઃ પહેલી વખત ઉપ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા પ્રદેશના તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને દિલ્હી આવવા માટેનું આમંત્રણ મળ્યું છે.