પ્રવાસન મંત્રીએ રાજ્ય સરકાર ધ્યાન દોરશે તો ઘટતું કરવાની આપેલી ખાત્રી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રીને પ્રશ્ન પુછી વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારમાં સતયુગ કાળથી ડાંગના વિસ્તારના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા તિર્થધામોને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલ્સ, ડોન હિલ્સ સહિત વિલ્સન હિલ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળોને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં એ અંગે પ્રશ્ન પુછતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાંસદશ્રી દ્વારા ખુબજ મહત્વનો અને ઐતિહાસિક વિસ્તારના વિકાસ માટેનો પ્રશ્ન પુછવામાં આવ્યો છે, મંત્રીશ્રી દ્વારા પ્રતિસાદ આપતા જણાવ્યુ હતુ કે જો રાજ્ય સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે તો જરુરથી આ વિષય પર વિચારવાનું અને ઘટતું કરવાની પુરી ખાતરી આપી હતી.
આવનારા દિવસોમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે અને વલસાડ-ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું.