જ્યારે આદિવાસીઓના વોટ જોઈએ ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતા ભેગા થઈ વોટ માંગવા પહોંચી જાય છે, પરંતુ જ્યારે આદિવાસીઓના હક અધિકારની વાત આવે ત્યારે એ જ નેતાઓ દૂર દૂરસુધી દેખાતા નથીઃ પ્રભુ ટોકિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયત કચેરીના સભાખંડમાં ‘‘આદિવાસી જળ જંગલ જીવન આંદોલન” દ્વારા સામુહિક વન અધિકાર પરિષદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ચૂંટાયેલ જનપ્રતિનિધિ, સામાજીક આગેવાનો અને રાજકીય પક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી દરેક પંચાયતના જનજીવન આંદોલનના મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં વન અધિકાર સામુહિક દાવા અધિકાર આપવામાં આવ્યા છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દેશનો એક એવો પ્રદેશ છે કે જ્યાં અત્યાર સુધીમાં એકપણ સામુહિક દાવા આપવામાં આવ્યા નથી. અથવા એના પર વન વિભાગ, પ્રશાસન અથવા ચૂંટાયેલા નેતાઓએ ચર્ચા નથી કરી. આખરે પ્રશાસન અથવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સામુહિક દાવાઓ ઉપર કોઈ ચર્ચા કેમ નથી કરતા?
સમગ્ર દેશમાં વન અધિકાર કાનૂન અંતર્ગત લાખોની સંખ્યામાં વન અધિકાર મંજૂર કરવામાં આવ્યા છે. દાનહમાં જંગલ જમીન પોતાના નામ પર કરાવી આપવાના માટે ઘણાં નેતાઓએ વાયદો કર્યો છે અને અત્યાર સુધીમાં કેટલાક સાંસદ અને નેતા બની ગયા છે, પરંતુ જંગલની જમીન અને સામુહિક દાવા આદિવાસી સમાજનાલોકોને મળ્યા નથી. જિલ્લા પંચાયત, સાંસદથી લઈ ગામના દરેક જન પ્રતિનિધિ આદિવાસી હોવા છતાં આદિવાસીઓ પોતાના હક્ક અને અધિકાર માટે ભટકી રહ્યા છે.
સામરવરણી પંચાયત ખાતે યોજાયેલી સામુહિક વન પરિષદની બેઠકમાં આદિવાસી નેતા શ્રી પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, જ્યારે આદિવાસીઓના વોટ જોઈએ ત્યારે ભાજપ સહિત તમામ પાર્ટીના નેતા ભેગા થઈ વોટ માંગવા પહોંચી જાય છે, પરંતુ જ્યારે આદિવાસીઓના હક અધિકારની વાત આવે ત્યારે એ જ નેતાઓ દૂર દૂર સુધી દેખાતા નથી. આદિવાસીઓનો હક્ક છીનવવાવાળી સરકાર/પ્રશાસન પાસે આશા રાખવી બેકાર, આ પ્રશાસન આદિવાસી વિરોધી છે. તેથી દરેક આદિવાસીઓએ સામુહિક વન અધિકારના માટે એક મંચ પર આવી સામુહિક સંઘર્ષ કરવાની જરૂરત છે.
આ બેઠકમાં જંગલ જીવન આંદોલનના એડવોકેટ શ્રી બ્રાયન, શ્રી મિતેષ તુમડા, શ્રી લક્ષી કુવરા, શ્રી વિનય કુવરા, શ્રી વિપુલ ભુસારા, શ્રી વિજય ટેબરે, શ્રી દિપક મારિયા, શ્રી અજીત સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.