(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: યુવાઓની પ્રતિભાને યોગ્ય મંચ પ્રદાન કરવા અને એમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે દાનહ નેહરુ યુવા કેન્દ્ર અને ડૉ. એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ, કરાડના સંયુક્ત ઉપક્રમે કલા કેન્દ્ર સેલવાસમાં જિલ્લા સ્તરીય ‘યુવા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પેઈન્ટિંગ, કવિતા, લેખન, મોબાઈલ ફોટોગ્રાફી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૈજ્ઞાનિક મેળા પ્રદર્શની અને ભાષણ સામેલ હતા. આ અવસરે સાયન્સ મેળા પ્રદર્શનીમાં યુવાઓએ નવીન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું શાનદાર પ્રદર્શન કરી વિવિધપ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્ય, ગાયન અને અન્ય કલા પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના સમાપન સમારોહમાં વિજેતા સ્પર્ધકોને ડૉ. એપીજે અબ્દુલ કલામ કોલેજના આચાર્ય શ્રી ભગવાનજી ઝા સહિત અન્ય અતિથિઓના હસ્તે રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેહરુ યુવા કેન્દ્રની જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસા અને પ્રોફેસર ડૉ. રામચંદ્ર જોશીએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુવાઓનો આત્મવિશ્વાસ તેમના પ્રોત્સાહનની સાથે એમના કૌશલ વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આ જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ યુવાઓ માટે પ્રેરણાદાયક અને યાદગાર અવસર હતો, જેમાં એમની પ્રતિભા અને ક્ષમતાને નીખરવાનો મંચ મળ્યો હતો.
આ અવસરે ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ અને યુથ અફેયર્સ શ્રી અરુણ ગુપ્તા, નેહરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસા, શ્રી એમ.વી.પરમાર સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.