(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા સેલવાસ બ્લોકમાં અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ અને ખાનવેલ બ્લોકમાં મરાઠી માધ્યમની માધ્યમિક શાળામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના શિણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શનમાં પ્રદેશના વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસબ્લોકમાં અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલમાં અને ખાનવેલ બ્લોકની મરાઠી માધ્યમની સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હતો વિશિષ્ટ આવશ્યકતાવાળા વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા હેઠળની વિવિધ જોગવાઈઓથી અવગત કરવા અને દિવ્યાંગતાની વહેલી તકે ઓળખ કેવી રીતે કરી શકાય.
સેલવાસ ખાતે આયોજીત કાર્યક્રમનો પ્રારંભ સહાયક રાજ્ય પરિયોજના નિર્દેશક સમગ્ર શિક્ષા શ્રી પરિતોષ શુક્લા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બલવંત પાટીલ અને શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયાના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડીડીઆરસીથી પસ્થિત રહેલા વક્તા શ્રી ફરહીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઘરે કેવી રીતે સંભાળ રાખવી તથા તમને કેવી રીતે પ્રોત્સાહિત કરવા તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે આરોગ્ય વિભાગના સિકલ સેલના પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રેમકુમારે સિકલ સેલ રોગ બાબતે જાણકારી આપી હતી અને સિકલ સેલથી ગ્રસ્ત બાળકોની સારસંભાળ કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે રાજ્ય સમાવેશી શિક્ષાના શ્રી રાજેન્દ્ર મોહિલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક શિક્ષકો અને બી.આર.પીનો. મુખ્ય સહયોગ રહ્યો હતો.