વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલએ પાણી સમસ્યા અને કર્મચારી કાયમી કરવા જોવા મુદ્દા ઉઠાવ્યા : સામાન્ય સભા સામાન્ય બની
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા આજે ગુરૂવારે પાલિકા સેવાસદનમાં 11 કલાકે યોજાઈ હતી. સામાન્ય સભા અંતિમ એટલા માટે છે કે તા.25 ડિસેમ્બરના રોજ વાપી મહા નગરપાલિકા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત થઈ ચુકી છે. તેથી તેઅંગેની વહિવટી અને ટેકનિકલ પ્રક્રિયાઓ હાથ ધરાશે. આજે મળેલી સામાન્ય સભા સામાન્ય બની રહી હતી. માત્ર ઔપચારિકતા પુર્ણ કરી સભા આટોપાઈ હતી.
વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં તા.30 જુલાઈએ મળેલી સામાન્ય સભાની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. એપ્રિલ-2024 થી સપ્ટેમ્બર 2024 સુધીના હિસાબો મંજુર કરાયા હતા તેમજ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. તા.10-12-24 ટી.પી. સમિતિની મિટિંગની ભલામણ હતી. મુસુદ્દારૂપ નગર યોજના નં.1(વાપી)ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ સરકારશ્રીને સાદર કરવાનો નિર્ણય લેવાયો હતો. સામાન્ય સભામાં વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ વધુ સક્રિય દેખાયા હતા. તેમણે પાણી સમસ્યા અને કર્મચારી કાયમી કરવા જેવા મુદ્દાઓની ધારદાર રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં શાસક અને વિરોધ પક્ષના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ સભા હોવાથી ફોટો શેસન કરાયું હતું. કારણ કે વર્તમાન નગર સેવકોનો હોદ્દો પુર્ણ થઈ જશે અને મહા નગરપાલિકાની નવી ચૂંટણી યોજાશે.