નાનાપોંઢા ડેપો પાસે બાઈક સવારે વૃધ્ધને ટક્કર મારતા મોત : ત્રણ યુવકની બાઈક ઝાડ સાથે અથડાતા સગીરનું મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01
કપરાડા અને પારડી તાલુકામાં છેલ્લા 24કલાકમાં રોડ અકસ્માતમાં બે મોત નિપજ્યા છે. નાનાપોંઢામાં બાઈક સવારે વૃધ્ધને ટક્કર મારી દેતા મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ચિવલની કામ પતાવી બાઈક ઉપર મોટા વહિયાળ આવી રહેલ ત્રણ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા એક સગીર યુવાનનું મોત થવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર કપરાડાના નાનાપોંઢાથી નાસિક જતા માર્ગ ઉપર ડેપો પાસે પલ્સર બાઈક ચાલકે રાત્રે નાનાપોંઢાના 65 વર્ષિય વૃધ્ધ રામજી ગોદયાભાઈ ભીસરા રહે.ભીંસરા ફળીયાને રોડ ઉપર ટક્કર મારી દેતા મોતને ભેટયા હતા. અકસ્માતની જાણ પોલીસને 108 દ્વારા થઈ હતી. બીજા બનાવમાં ચિવલ ડુંગરી ફળીયાથી કામ પતાવી ત્રણ સગીર પોતાની બાઈક નં.જીજે 15 ડીઆર 0787 ઉપર સવાર થઈને મોટી વહિયાળ નદીપાડા જઈ રહ્યા હતા ત્યારે વળાંક ઉપર ઝાડ સાથે બાઈક ભટકાતા ત્રણ પૈકી સગીર યુવાન અંકુશ શુકલાભાઈ પાહું ઉ.વ.17 ને ગંભીર ઈજા થતા સ્થળ ઉપર મોત થયું હતું. અન્ય સગીર સુરેશ ભાવર અને ઈરફાન પટારા ઈજાગ્રસ્ત થયા હતા તેમને 108 દ્વારા પ્રથમ નાનાપોંઢા અને બાદમાં ધરમપુર સારવાર માટે ખસેડયા હતા.