(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : ભારત સરકારના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત સંઘપ્રદેશના યુવા બાબતો વિભાગ દ્વારા સેલવાસમાં ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેમાં એથ્લેટિક્સ, તીરંદાજી અને ટેબલ ટેનિસ જેવી રમતોના પ્રતિભાશાળી ખેલાડીઓનો પારંગત શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે ખાનવેલમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત ફૂટબોલ સેન્ટર અને દમણમાં પણ ખેલો ઇન્ડિયા વોલીબોલ સેન્ટરનો પણ શુભારંભ કરી દેવાયો છે. જેમાં વોલીબોલ અને ફૂટબોલના લગભગ 50 જેટલા ખેલાડીઓ પોતાની રૂચિ પ્રમાણે અભ્યાસ કરી રહ્યા છે. જેના સંદર્ભમાં આજે ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી મુખ્યાલય નવી દિલ્હી ખાતેના નિર્દેશક શ્રી સંદીપ રાણા (આઈ.એ.એસ.)એ સંઘપ્રદેશના સેલવાસ સ્થિતખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને દમણના ખેલો ઇન્ડિયા વોલીબોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મહત્ત્વપૂર્ણ નિરીક્ષણ દરમિયાન સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતો વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા, વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર, શ્રી દેવરાજ સિંહ રાઠોડ અને શ્રી મહેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ સમયે નિર્દેશકશ્રીએ સેલવાસના ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને ખેલો ઇન્ડિયા વોલીબોલ સેન્ટર દમણની રમત-ગમત સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સુરક્ષા પ્રોટોકોલ તથા દસ્તાવેજોની સમીક્ષા કરી હતી અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. શ્રી સંદીપ રાણાએ સંઘપ્રદેશમાં રમત-ગમત ક્ષેત્રે ઔર વધુ પ્રગતિ કરવા માટે સલાહ પણ આપી હતી.