તસ્કરો અંદાજીત રૂા.50 હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણા
ચોરી ફરાર થઈ ગયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: શિયાળાની ઠંડીનું પ્રમાણ વધતાની સાથે તસ્કરો ચોરી કરવા મેદાને પડયા હોય તેવું સાબીત કરતી ઘટના. વાપી ચણોદમાં આવેલ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં મંગળવારે રાત્રે ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
ચણોદમાં આવેલ નિલકંઠ સોસાયટીમાં બંગલા નં.137 બંધ હતો. પરિવાર બહાર ગયો હતો. તેથી આ તકનો લાભ લઈ બંધ બંગલામાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તાળુ તોડી બંગલામાં પ્રવેશી કબાટ તોડી અંદર રહેલા અંદાજીત રૂા.50 હજાર અને સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ ગયા હતા. આજે ગુરૂવારે પરિવારે મકાન ખોલ્યુ તો ચોરી થયાનું બહાર આવ્યું હતું. તપાસતા રોકડા રૂપિયા અને ઘરેણાની ચોરી થઈ હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરી તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્રણથી ચાર તસ્કરો બંગલામાં અવર જવર કરતા જોવા મળે છે. પરિવારે પોલીસને જાણકરવાની તજવીજ હાથ ધરી હતી. કુલ કેટલા મત્તાની ચોરી થઈ છે તે તપાસ બાદ સાચી હકિકતો બહાર આવશે.