-
વિદ્યુત વિભાગ દ્વારા આપવામાં આવ્યું ભવ્ય નિવૃત્તિ વિદાયમાન
-
અનિલભાઈ દમણિયાએ 32. વર્ષ સુધી વિદ્યુત વિભાગમાં નિષ્ઠા, પ્રમાણિકતા અને સમયપાલન સાથે બજાવેલી સેવા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગના સહાયક એન્જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આજે દમણ વિદ્યુત વિભાગના કાર્યાલય ખાતે ભવ્ય સેવા નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.આર. ઈંગ્લેના અધ્યક્ષસ્થાને આયોજીત સમારંભમાં વિદ્યુત વિભાગના સહાયક એન્જિનિયરો, જે.ઈ. અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અનિલભાઈ દમણિયાએ દમણ-દીવ વિદ્યુત વિભાગમાં 32.5 વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવી નિવૃત્ત થયા હતા. તેમણે ફરજ દરમિયાન શિષ્ત અને સમયનું ખાસ પાલન કર્યું હતું. તેઓ 1પમી ડિસેમ્બર 1989ના રોજ દમણ-દીવ વિદ્યુત વિભાગમાં જૂનિયર ઈજનેર તરીકે જોડાયા હતા અને 2012ના વર્ષથી ઈન્ચાર્જ સહાયક એન્જિનિયર તરીકે પોતાનો જવાબદારી નિભાવી રહ્યા હતા.
વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.આર. ઈંગ્લેએ જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા શ્રીઅનિલભાઈ દમણિયાનું શેષ જીવન સુખ, શાંતિ, સમૃદ્ધ અને નિરોગી રહે એવી કામના કરી હતી અને નિવૃત્તિ કાળ દરમિયાન સતત સક્રિય અને પ્રવૃત્તિમય રહેવા પણ સલાહ આપી હતી.