ટી.ડી.ઓ. મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાએ પેપરબ્લોક કામગીરી બિલમાં સહી કરવા કોન્ટ્રાક્ટર પાસે અવેજ પેટે 6 હજાર માંગ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ એ.સી.બી.એ. ડાંગ સુબીર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને તા.પં.ની કચેરીમાં રોકડા રૂા.6000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એ.સી.બી.એ જાહેર કરેલી વિગતો મુજબ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) તરીકે મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા ફરજ બજાવે છે. 15 મા નાણાપંચની અંતર્ગત મંજુર થયેલ પેપર બ્લોકની કામગીરી એક સિવિલ કોન્ટ્રાક્ટરે કરી હતી. આ કામગીરીના એમ.બી. બુક તથા બીલમાં સહી કરવા માટે ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસે ટી.ડી.ઓ. મહેન્દ્રકુમારે રૂા.6000ની લાંચ માંગી હતી. જે ફરિયાદી કોન્ટ્રાક્ટર આપવા માંગતા નહી હોવાથી વલસાડ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ ફરિયાદ બાદ એ.સી.બી. પી.આઈ. જે.આર. ગામીત અને સ્ટાફે સુબીર તાલુકા પંચાયત કચેરીમાં છટકું ગોઠવ્યું હતું તે દરમિયાન ફરિયાદી તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ગયો હતો. જ્યાં ટીડીઓ મહેન્દ્રકુમાર સાથે હેતુલક્ષી વાતચિત ફરિયાદી પાસે રૂા.6000 ની લાંચ સ્વિકારતા એ.સી.બી.ની ગોઠવેલ ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એ.સી.બી.એઅટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ એક લાંચીયો અધિકારી ઝડપાઈ જવા પામ્યો હતો.