(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 12010 કેસોમાં રૂ. 29,66,41,465નું સમાધાન થયુ હતું.
આ અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-891 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા તથા સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ-7871 કેસો મુકવામાં આવ્યા હતા તેમજ બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- 14854 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગકેસો કુલ-343 કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-5838 અને પ્રિ-લીટીગેશનનાં કુલ-5829 મળી કુલ-12010 કેસો નિકાલ કરવામાં આવ્યા હતા અને આ કેસોમાં કુલ રૂ. 29,66,41,465 નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.