ઠંડીથી આંબાવાડીમાં ફૂટ શરૂ થઈ ગઈ હતી તેવામાં જ વાદળછાયા વાતાવરણ બાદ માવઠું આવશે તો સીઝનની શરૂઆત જ ખરાબ રહેવાની શકયતા વર્તાઈ રહી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.23: હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી ચીખલી સહિત જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં વાદળો છવાઈ રહ્યા છે અને આ વાદળછાયા વાતાવરણથી કેરી શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલે છેલ્લા દિવસોમાં ઠંડીનું પ્રમાણસારું હતું તેવામાં માફકસર વાતાવરણથી આંબાવાડીમાં ફ્રૂટની સારી શરૂઆત થઈ જવા પામી હતી જેનાથી ધરતીપુત્રોને આ સીઝન સારી રહેવાની આશા બંધાઈ હતી અને ઘણા ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો હતો.
આમ આ વખતે આંબાવાડીમાં ફૂટ આવવાની શરૂઆત સારી રહી હતી તેવામાં વાદળછાયા વાતાવરણ અને ત્યારબાદ માવઠું આવશે તો આ વર્ષે પણ સિઝન ખરાબ થવાની શકયતા જણાઈ રહી છે નોંધનીય છે કે જીલ્લામાં મોટા પાયે ફળોના રાજા કેરીનું ઉત્પાદન થતું હોય છે અને ખેડૂતોને સારી આવક મળતી હોય છે. તેવામાં નુકસાન થવાની ભીતિ થી ખેડૂતોની મુશ્કેલી વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
કેરી, ચીકુ અને શાકભાજીના પાકોને નુકસાની ભીતિ
વાદળછાયા વાતાવરણથી જીલ્લામાં કેરી ઉપરાંત ચીકુ અને શાકભાજીના પાકોને પણ નુકસાન થવાની સ્થિતિ ઊભી થવા પામી છે. આ વખતે વરસાદ લાંબો સમય સુધી ચાલુ રહેવા સાથે ચોમાસાની વિદાય મોડી થતા આ ચીકુમાં પણ પૂરતા પ્રમાણમાં ફલાવરિંગ ન થતા ચીકુનું ઉત્પાદન પણ ચાલુ સીઝને ઓછું જોવા મળી રહ્યું છે તેવામાં વાદળછાયા વાતાવરણની ચીકુના ઉત્પાદન પર પણ વિપરિત અસર જોવા મળશે. આ ઉપરાંત તુવેર, પાપડી, રીંગણ સહિતના શાકભાજીના પાકોને પણ નુકસાન થશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.
—-