દમણ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગે ત્રણેય યુવકોની કરેલી શોધખોળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશ દમણમાં સુરતના પાંચ મિત્રો સહેલગાહે આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યાની આસપાસ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે પહોંચી દરિયામાં ન્હાવા માટે પડયા હતા તે પૈકી ત્રણ યુવકો દરિયાનાજોરદાર પ્રવાહમાં તણાતા લાપતા થઈ જતા દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટ ગાર્ડ અને ફાયર વિભાગ સહિત અન્ય એજન્સીઓ દ્વારા ત્રણેય યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણ ફરવા માટે આવતા હોય છે. આજે સુરતથી પાંચ પ્રવાસીઓ દમણ ફરવા માટે આવ્યા હતા. મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સાંજે પ વાગ્યાની આસપાસ સહેલગાહે આવેલા પાંચ પર્યટકો દરિયામાં ન્હાવા પડયા હતા. જેમાં ઋષભ જૈન (ઉ.વ.20), રાહુલ કસબે (ઉ.વ.23) અને વાસુ ખાલપે (ઉ.વ.24) (ત્રણેય રહેવાસી સુરત) દરિયાના જોરદાર પ્રવાહમાં તણાયા હતા. જ્યારે મુકેશ (ઉ.વ.25) રહે. નવાગામ ડિંડોલી, સુરત અને સાવન (ઉ.વ.24) રહે. કૈલાશ નગર સૂરત હેમખેમ કિનારે પહોંચી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે આ લોકો ન્હાવા ગયા ત્યારે તેમાંથી ઋષભ, રાહુલ અને વાસુ દરિયાના જોરદાર પ્રવાહમાં તણાયા હતા. બીચ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે તેઓને ડૂબતા જોયા ત્યારે તેઓએ તાત્કાલિક સ્થાનિક બોટ લઈને ત્રણેય યુવાનોની શોધખોળ શરૂ કરી હતી અને વહીવટીતંત્ર, પોલીસ કંટ્રોલ રૂમ સહિત ફાયર વિભાગને જાણ કરી હતી. પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર વિભાગ અને કોસ્ટ ગાર્ડહેલિકોપ્ટરથી ત્રણેય યુવકોની ભારે શોધખોળ કરી હતી. આ સમાચાર લખાય ત્યાં સુધીમાં લાપત્તા થયેલા ત્રણેય યુવકોની શોધખોળ ચાલુ હતી.