નવિન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 30 ઓક્ટો. 2021માં થઈ ચૂક્યુ હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપીનો અતિ મહત્વાકાંક્ષી લેખાવાતા નવો રેલવે ફલાય ઓવરબ્રિજ બનવાના ચક્રો એક પછી એક ગતિમાન થઈ ચૂક્યા છે. જુના બ્રિજને પાડી નાખી નવો બ્રિજ રૂા.141 કરોડના ખર્ચે ઈમરાનનગરથી ગોલ્ડકોઈન સર્કલ સુધી બનશે. રેલવે કોરીડોર માટે બ્રિજની હાઈટ ઓછી હોવાથી જુનો બ્રિજ પાડી નવો બ્રિજ બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં હવે તેની કામગીરી હાથ ધરાવવી શરૂ થઈ ચૂકી છે. નવિન પુલની જમીન સંપાદન કરવા હેતુ નડતર રૂપ 200 જેટલા દબાણ કર્તાઓને નોટિસો અપાઈ ચૂકી છે. ભવિષ્યની ટ્રાફિક સમસ્યા સંપૂર્ણ હલ કરવા હેતુ નવિન બ્રિજ ફોર લાઈન બનવાનો છે.
વાપીનો નવા રેલવે ફલાય ઓવરબ્રિજ 141 કરોડને ખર્ચે બનનાર છે તે માટે ગત તા.30 ઓક્ટોબર 2021ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થઈ ચૂક્યું છે. પરંતુ અતિ જટીલ ગણાતીઆ કામગીરી વચ્ચે અવરોધ બનતા પરિબળોને હલ કરવામાં સમય વ્યતિત થઈ ચૂક્યો છે. જેમાં રેલવેની મંજુરી, પુલ તુટયા પછી ટ્રાફિકની અવરજવર કારણ કે વાપી-પૂર્વ પヘમિને જોડતો આ એકમાત્ર પુલ તૂટી જાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પણ જરૂરી હતી. તે માટે જુના રેલવે ફાટકનું નવિનિકરણ કરી દેવાયું છે અને જેવી પુલ તોડવાની કામગીરી શરૂ થશે કે તુરંત જ ફાટક કાર્યરત થઈ જશે. એસ.ટી. ડેપો વાપીનું સ્થળાંતર પણ મોટો પ્રશ્ન હતો તે હલ થઈ ચૂક્યો છે. બલીઠા હાઈવે ઉપર કામચલાઉ ડેપો કાર્યરત કરાશે. ટૂંકમાં અનેક અડચણ રૂપ કે જરૂરી તમામ કાર્યવાહીઓ પૂર્ણ થઈ ચુકી છે કે થવાના આરે છે તેથી ટૂંક સમયમાં નવિન રેલવે પુલ બનાવવાની કામગીરી જોરશોરથી આરંભાઈ જશે.