દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવર-જવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતા લોકોએ વધુ 7 થી 8 કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ શહેરથી ગુંદલાવ જીઆઇડીસી સહિત ખેરગામ અને વાંસદા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે ઉપર વલસાડ છીપવાડ ગરનાળાની ઉપર રેલવે ઓવર બ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ લેખિત રજૂઆત કરાઈ છે.
વલસાડ ખેરગામ રાજ્ય ધોરી માર્ગ પર રેલવે ટ્રેકની નીચેથીવલસાડના છીપવાડ ખાતે અંડરપાસ આવેલું છે. જે છીપવાડ ગરનાળા તરીકે જાણીતું છે. આ માર્ગ વલસાડ શહેરને વલસાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો ઉપરાંત ગુંદલાવ જીઆઇડીસી, ખેરગામ તાલુકો અને વાંસદા તાલુકાને જોડે છે. દરરોજ આ માર્ગ પરથી એક લાખથી વધુ લોકો વલસાડ શહેરમાં અવર-જવર કરે છે.
આ મુખ્ય સ્ટેટ હાઈવે હોય ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના નીચેથી વાહનોની અવરજવર રહે છે. દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે. જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવર-જવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતા ચોમાસા દરમિયાન લોકોએ વધુ 7 થી 8 કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે. દર વર્ષે ચોમાસામાં વારંવાર આ સ્ટેટ હાઇવે બંધ થઈ જતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને કારણે છીપવાડ ગરનાળા ઉપર રેલવે ઓવર બ્રિજ બનાવવો ખૂબ જ આવશ્યક બન્યો છે.
વલસાડ જિલ્લામાં હાલમાં રેલવે ટ્રેક ક્રોસિંગ ઉપર મોટા ભાગના ઓવરબ્રીજ બની ગયા છે અથવા બની રહ્યા છે. ગ્રામ પંચાયતના નાના માર્ગ પર પણ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે. જ્યારે ખૂબ જ જરૂરીયાત છે અને વર્ષોની માંગણી છે એવોએકમાત્ર છીપવાડ ગરનાળા પર રેલવે બ્રિજ આજ સુધી મંજૂર થયો નથી. જેથી વલસાડ ખેરગામ સ્ટેટ હાઈવે ઉપર છીપવાડ ખાતે ઓવરબ્રિજનું નિર્માણ કરી વર્ષોથી લોકોને પડતી તકલીફો દૂર કરવા ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટેલર, અગ્રણી હર્ષદ આહિર, ખેરગામ તાલુકા પંચાયત માજી પ્રમુખના પતિ પ્રશાંતભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાન વ્હોરા, ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી.