-
સૌથી ગરીબ ઉમેદવાર કોંગ્રેસના મહેશ બાલુભાઈ ધોડી
-
ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત રૂા.66,86,166ના અસામી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોએ જાહેર કરેલી પોતાની મિલકત રોકાણ અને રોકડમાં શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર સૌથી શ્રીમંત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. તેઓ કુલ રૂા. 41 કરોડ 10 લાખ 40 હજાર 298ની માલ-મિલકત અને રોકાણ ધરાવે છે.
શ્રીમતી કલાબેન ડેલકરની 2019-20ની વાર્ષિક આવક રૂા.92,18,050 તથા હાથ ઉપર રોકડ 2,96,411 અને વિવિધ બેંકોમાં રૂા.69,47,674 હોવાનું બતાવ્યું છે. જ્યારે તેમણે વિવિધ વીમા પોલીસી સહિતમાં 98 લાખનું રોકાણ કરેલ હોવાનું જણાવ્યું છે. તેમની પાસે રૂા.38,49,100ની જર-ઝવેરાતો છે અને તેઓ રૂા.2,87,81,663ની પાંચ લક્ઝરિયસ ગાડીનીમાલિકી ધરાવે છે. પેટ્રોલ પંપ સહિતની સંપત્તિ રૂા.2,75,0000 અને ખેતીની જમીન રૂા.10,41,10,000 અને બિન ખેતીની જમીન રૂા.18,44,02,000 છે. કોમર્શિયલ બિલ્ડીંગ રૂા.3,07,80,400 અને રેસિડેન્શિયલ બિલ્ડીંગ રૂા.53,55000ની મૂલ્યની માલિકી ધરાવે છે.
જ્યારે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ચીમનભાઈ ગાવિત 2019-20ની આકરણી પ્રમાણે રૂા.4,95,030ની આવક ધરાવે છે. વિવિધ બેંકમાં 6,38,524 રૂા.જમા છે અને વીમા પોલીસી સહિતમાં રૂા.18,800નું રોકાણ કરેલ છે. તેમની પાસે મારૂતી સ્વીફટ અને બાઈક મળી કુલ રૂા.4,70,253ના વાહનો છે. રૂા.65,000ના દાગીના તેમની પાસે છે. એક હોટલમાં ભાગીદારી સહિતની સંપત્તિ રૂા.16,010,59 છે અને તેમની પાસે ખેતીની જમીન 13,97,500 અને રહેવા માટે એક ફલેટ રૂા.20,00,000ની કિંમતનો ધરાવે છે. આ તમામ મળી તેઓ રૂા.66,86,166ની માલ-મત્તા હાલની તારીખમાં ધરાવે છે.
કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ બાલુભાઈ ધોડી 2020-21ની આકરણી પ્રમાણે રૂા.3,16,750ની વાર્ષિક આવક ધરાવે છે. તેમની પાસે રૂા.90,000 હાથમાં રોકડ છે. બેંકમાં રૂા.11,899 છે. તેમની પાસે એક હ્યુન્ડાઈ કાર અને મોટરસાયકલ મળી રૂા.8,99,990ના વાહનો ધરાવે છે. રૂા.3,51,755ની જ્વેલરી તેમની પાસે છે અને તેઓ રૂા.14,20,664ની મુવેબલસંપત્તિ પણ ધરાવે છે.
શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર અને ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત બંનેનો સ્નાતક સુધીનો અભ્યાસ છે. જ્યારે કોંગ્રેસના શ્રી મહેશભાઈ ધોડી અંડરગ્રેજ્યુએટ છે.