એમ.જી. માર્કેટમાં કાર્યરત ન્યુ ફેશન ટ્રેલરના સંચાલકને
ભર શિયાળામાં પરસેવો આવી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ક્યારેક વીજ બિલ બનાવવામાં મોટા છબરડા સર્જતી હોય તેવા બનાવો અવારનવાર પ્રકાશમાં આવે છે તેવો વધુ વીજ બિલનો છબરડો વલસાડમાં બહાર આવ્યો છે. એક નાનકડી ટ્રેલરની દુકાનના સંચાલકને વીજ કંપનીએ અધધ… 86 લાખનું બીલ પકડાવતા દુકાનદારને ભર શિયાળામાં પરસેવો આવી ગયો હતો.
વલસાડ એમ.જી. માર્કેટમાં આવેલ ચોર ગલીમાં ન્યુ ફેશન ટ્રેલર નામની દુકાન કાર્યરત છે. આ દુકાનનું વીજ બિલ રૂા.86,41,540 ગઈકાલે દુકાન સંચાલકને વીજ કંપનીનો કર્મચારી પકડાવી ગયો હતો ત્યારે દુકાનદારે ખાસ નોંધી લીધી નહોતી. પુરસદ મળ્યા પછી બીલ જોયુ તો ચક્કર આવી ગયા હતા. વીજબિલ રૂા.86 લાખ ઉપરાંતનું હતું. તુરંત વીજ કંપનીમાં દોડી ગયેલો, ત્યાં રાબેતા મુજબ સરકારી જવાબ મળ્યો હતો. તપાસ કરીશું… પરંતુ ગંભીર છબરડાની નોંધ સુધ્ધી તંત્રએ લીધી નહોતી. 10, 15 દિવસ વીજ બિલ ભરવામાં ગ્રાહક વિલંબ કરે તો આખી ફોજ વીજ કનેકશન કાપવા દોડી આવે છે પરંતુ ગ્રાહકની સાચી ફરિયાદની નોંધ લેવાતી નથી. જોવું એ રહ્યું કે વધુ તપાસમાં વીજ બિલનો મસમોટો છબરડો બહાર આવે છે કે કેમ?