(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.0પ: વાપી નૂતન નગરમાં આવેલ કોમન પ્લોટમાં ગત તા.12-02-2022ના રોજ નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ ગાર્ડનનું નામ ‘‘સરદાર પટેલ ઉદ્યાન” રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી અને સાથે ગાર્ડનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આ કામો નહીં થતાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગણેશ મહોત્સવ દરમિયાન બાપાના દર્શને આવતા શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા તેઓને રજૂઆત કરવામાં આવી હતી.
શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે ઉદ્યાનનું નિરીક્ષણ કરતા અધિકારીઓને આપવામાં આવેલ માર્ગદર્શન પૈકી ઉદ્યાનની અંદર જે ઝાડ છે તેની ફરતે દિવાલ બનાવવી, ઉદ્યાનની અંદર બોરીંગો છે તેની ચેમ્બરો વોકિંગ માટે આવનારને અડચણરૂપ થતી હોવાથી ચેમ્બરોને બનાવેલ પથના લેવલની બનાવવી, ઉદ્યાનની બહાર જે બોરીંગો છે તેની ફરતે ચેમ્બરો બનાવવી, ઉદ્યાન માટે જે બોરીંગ બનાવેલ છે તે ફરતે પણ ચેમ્બર બનાવવી વગેરે બાબતે મંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપીના વોર્ડ નં.3ના શ્રીનિરંજન પટેલ, શ્રી સોનુ સિંગ, શ્રી નિલેશભાઈ, શ્રી વ્રજ એન. પટેલ, શ્રી અજય ઓડેદરા, શ્રી વિવેક પટેલ, શ્રી અંકિત રાવલ, શ્રી દિપ પટેલ, શ્રી કિશોર ભાનુશાલી, શ્રી મહેશ ભાનુશાલી, શ્રી સુમીત પટેલ, શ્રી યશ ગામીત વગેરે ઉપસ્થિત રહી મંત્રીશ્રીને અપીલ કરી છે કે આ બધા કામો નગર પાલિકાને માહિતગાર કરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.