-
કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકના પદનું અપગ્રેડેશન કરી ઉપ રાજ્યપાલ તરીકે 2026 સુધી સોંપાનારી કમાન
-
મોદી સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ મળી શકે એ માટે આ વિસ્તારમાંથી રાષ્ટ્રપતિના ક્વોટા અંતર્ગત સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, સાહિત્યિક જેવા ક્ષેત્રે નામાંકિત વ્યક્તિ પૈકી એકને પ્રતિનિધિત્વ આપવાની પણ બની રહેલી યોજના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.12
ભારત સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશો લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહનો પણ અખત્યાર સોંપવાની દિશામાં વિચારણા થઈ રહી છે અને હવે આ ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશોનું એકીકરણ કરી પ્રશાસકશ્રીના પદનું અપગ્રેડેશન કરી હવે ઉપ રાજ્યપાલ તરીકે નવી ગોઠવણ થઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે ખુબ જ ટૂંકા સમયમાં પ્રભાવશાળી અને પરિણામલક્ષી કરેલી કામગીરીના કારણે મોદી સરકાર હવે તેમની શક્તિનોલાભ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના વિકાસ માટે પણ લેવાની તૈયારી શરૂ કરી છે. ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશોના એક વડા તરીકે ઉપ રાજ્યપાલ પદે શ્રી પ્રફુલભાઈ પટેલની વરણી કરી તેમની 2026 સુધી સેવા લેવાનો તખ્તો ભારત સરકારમાં ઘડાઈ રહ્યો છે.
મોદી સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ મળી શકે એ માટે આ વિસ્તારમાંથી રાષ્ટ્રપતિના ક્વોટા અંતર્ગત સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, સાહિત્યિક જેવા ક્ષેત્રે નામાંકિત વ્યક્તિ પૈકી એકને પ્રતિનિધિત્વ આપવાની પણ યોજના બની રહી હોવાની ખબર વહેતી થઈ છે. જેના કારણે લોકસભાની સાથે સાથે હવે રાજ્યસભામાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશોની સમસ્યાને રજૂ કરવાની તક મળી શકશે.
અત્રે નોંધનીય છે કે, મોદી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે આઈ.એ.એસ. અધિકારીઓના સ્થાને લોકોના પ્રતિનિધિ સ્વરૂપ રાજનૈતિક વ્યક્તિની કરેલી નિયુક્તિ બાદ પ્રદેશની દશા અને દિશા બદલવા સફળતા મળી છે. હવે આ શ્રેણીમાં અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહને પણ મુકવાની વિચારણા થતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાનામાં નાના પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે પોતાનું આગવું વિઝન ધરાવતા હોવાનું સમજાય છે.