April 20, 2024
Vartman Pravah
તંત્રી લેખ

કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે ભારત સરકાર જ ભાગ્‍ય વિધાતા

  • દાનહની બેઠક ઉપર અત્‍યાર સુધી ચૂંટાયેલા તમામ સાંસદોએ કેન્‍દ્રની સરકારને આપેલું સમર્થન : 2009માં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા સાંસદ નટુભાઈ પટેલને તત્‍કાલિન કોંગ્રેસ સરકારે આઈ.ટી.થી માંડી અનેક મોરચે પરેશાન કરવા નહીં છોડેલી કસર

  • દાનહમાં વિવિધ સરકારી વિભાગોમાં કોન્‍ટ્રાક્‍ટ બેઈઝ કે ડેઈલી વેજીસ ઉપર કામ કરી રહેલા કર્મચારીઓના ગૂંચવાયેલા પ્રશ્નની રજૂઆત સંસદમાં કરવાની જગ્‍યાએ સ્‍થાનિક પ્રશાસન અનેકેન્‍દ્ર સરકાર સાથે સંકલનથી ઉકેલ સંભવ : સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જો પરિણામલક્ષી રજૂઆત કરવામાં આવે તો નિરાકરણ અશક્‍ય નથી

દેશના તમામ કેન્‍દ્રશાસિત પ્રદેશોનો વહીવટ અને સંચાલન કેન્‍દ્ર સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે અને જે કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વિધાન સભા નથી તેવા પ્રદેશોએ સીધુ ભારત સરકારના તાબે જ રહેવા પડતું હોય છે.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ વિધાન સભા નહી હોવાથી અહીના તમામ પ્રશ્નો, વિકાસના પ્રોજેક્‍ટો તથા વહીવટના સંદર્ભમાં સીધી જવાબદારી કેન્‍દ્ર સરકારની રહે છે. જેના કારણે કેન્‍દ્રમાં જે પક્ષની સરકાર હોય તેનો દબદબો આ ટચૂકડા કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રહેતો આવ્‍યો છે.
ભારત સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લોકસભાના સાંસદની બે બેઠકની ફાળવણી કરેલ છે. સાંસદોનું મુખ્‍ય કામ દેશમાં કાયદા ઘડવાનું છે અને સંસદમાં પોતાના વિસ્‍તારની રજૂઆત કે ચર્ચામાં ભાગ લઈ શકવાની સ્‍વતંત્રતા રહે છે. પરંતુ કેન્‍દ્ર સરકારની ઈચ્‍છા વગર પ્રદેશમાં એક પાંદડું પણ હાલી શકતું નથી. તેથી કેન્‍દ્રમાં જે પક્ષની સરકાર હોય, તે પક્ષના સાંસદ જો જે તે પ્રદેશમાં હોય તો વિકાસ સહિતના અનેક પ્રોજેક્‍ટો માટે ભારત સરકારની કૃપા દૃષ્‍ટિ રહે તે સ્‍વભાવિકછે. જેનું પરિણામ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ જોવા મળ્‍યું છે.
2014 થી 2019 સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપના સાંસદો વિજેતા બન્‍યા હતા અને કેન્‍દ્રમાં ભાજપની સરકાર હોવાથી તેનો સીધો લાભ આ પ્રદેશને મળી શક્‍યો છે. દાદરા નગર હવેલી માટે વરસોથી પડતર રીંગરોડ, ઈન્‍ટરનેશનલ પ્‍લે ગ્રાઉન્‍ડ, મેડિકલ કોલેજ, કોરોના કાળ દરમિયાન ઘર બેઠા રાશનની સુવિધા સહિતના લાભો મળી શક્‍યા છે.
દાદરા નગર હવેલીમાં શિક્ષણ, કૃષિ, જંગલ, આરોગ્‍ય વગેરે વિભાગોમાં કોન્‍ટ્રાક્‍ટ બેઈઝ કે ડેઈલી વેજીસ ઉપર કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો ઉકેલ માંગતો કોયડો બની ચૂક્‍યો છે. આ સમસ્‍યા સ્‍થાનિક સ્‍તરની છે, આ સમસ્‍યાની રજૂઆત સંસદમાં કરવાથી તેનું સમાધાન થવું લગભગ અશક્‍ય રહે છે. કારણ કે, આ પ્રશ્ન સ્‍થાનિક પ્રશાસન અને કેન્‍દ્ર સરકાર સાથેના સંકલનનો છે તેથી સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જો પરિણામલક્ષી રજૂઆત કરવામાં આવે, તો તેનું નિરાકરણ સંભવ દેખાય છે. જેના કારણે જ કેન્‍દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે પેટા ચૂંટણીના સંકલ્‍પ પત્રનું વિમોચન કરતા જણાવ્‍યું હતું કે, આ પેટા ચૂંટણી દાદરા નગર હવેલીના ભવિષ્‍ય નિર્ધારણ માટે ખુબ જ મહત્‍વની છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીમાં અત્‍યારસુધી ચૂંટાયેલા તમામ સાંસદો કેન્‍દ્રમાં જે પક્ષની સરકાર રહી તેની સાથે જ રહ્યા છે. 1984માં શ્રી સીતારામભાઈ ગવળી અપક્ષ તરીકે ચૂંટાયા હતા પરંતુ તેમણે કેન્‍દ્રની તત્‍કાલિન કોંગ્રેસ સરકારને સમર્થન આપ્‍યું હતું. 1989માં મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે ચૂંટાયા હતા તેમણે પણ પહેલા વી.પી.સિંઘ સરકારને અને ત્‍યારબાદની ચંદ્રશેખર સરકારને પણ સમર્થન આપ્‍યું હતું. 1991માં મોહનભાઈ ડેલકર કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા અને કેન્‍દ્રમાં પણ કોંગ્રેસ સરકારનું ગઠન થયું હતું. જેના કારણે જ પ્રદેશને ટેક્ષ હોલી-ડેનો પણ લાભ મળ્‍યો હતો. 1996માં મોહનભાઈ ડેલકર કોંગ્રેસની ટિકિટ ઉપર વિજેતા બન્‍યા હતા પરંતુ 13 દિવસની વાજપેયી સરકારના પતન બાદ આવેલ દેવગૌડા અને ગુજરાલ સરકારને કોંગ્રેસે સમર્થન આપતા તેઓ શાસનમાં રહ્યા હતા.
1998માં મોહનભાઈ ડેલકર ભાજપની ટિકિટ ઉપર વિજેતા બન્‍યા હતા અને કેન્‍દ્રમાં પણ ભાજપની સરકારનું ગઠન થયું હતું. પરંતુ 13 મહિનામાં ભાજપ સરકાર સામે અવિશ્વાસ દરખાસ્‍ત પસાર થતા ફરી ચૂંટણી યોજાઈ હતી.
1999માં મોહનભાઈ ડેલકરે અપક્ષ ચૂંટાઈ તે સમયની ભાજપ સરકારને પોતાનો ટેકો આપ્‍યો હતો અને 2004માં પોતાની નવશક્‍તિ પાર્ટી દ્વારા ઉમેદવારી કરી વિજેતા બનતા તે સમયની કોંગ્રેસ સરકારને સમર્થન કર્યુહતું. 2009થી 2019 સુધી સાંસદ તરીકે શ્રી નટુભાઈ પટેલ રહ્યા હતા પરંતુ 2009માં કેન્‍દ્રમાં કોંગ્રેસ સરકાર આવતા પાંચ વર્ષ સાંસદ તરીકે શ્રી નટુભાઈ પટેલે અનેક મોરચે લડાઈ લડવી પડી હતી. પરંતુ 2014માં કેન્‍દ્રમાં ભાજપ સરકારના ગઠન સાથે જ દાદરા નગર હવેલીના વિકાસનો પણ પાયો નંખાયો હતો.
2019ની ચૂંટણીમાં અપક્ષ તરીકે મોહનભાઈ ડેલકર વિજેતા બન્‍યા હતા પરંતુ તેમણે પણ કેન્‍દ્રમાં મોદી સરકારને પોતાનું સમર્થન જાહેર કર્યુ હતું. તેથી કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે કેન્‍દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના સમર્થનમાં રહેવાથી જ પ્રદેશનો વિકાસ સંભવ હોવાનું દેખાય છે.

Related posts

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

Leave a Comment