પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલ તથા સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક મહેશભાઈ આગરિયાની ઉપસ્થિતિમાં ઠેર ઠેર યોજાયા કાર્યક્રમો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.02
આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ સદસ્યતા અભિયાનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ પહેલા દિવસે હજારોની સંખ્યામાં ભાજપના સભ્ય તરીકે નોંધાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સાંજે 5:00 વાગ્યાથી શરૂ કરાયેલ સદસ્યતા અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી મહેશભાઈ આગરિયાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર 8800002024 પર મિસ્ડકોલ આપી અને તેની લીંકમાં સભ્ય બની રહેલા કાર્યકર્તાઓની જાણકારી ભરી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
દમણ જિલ્લામાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પિયુષપટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ આર. પટેલ તથા પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપના મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સદસ્યતા અભિયાન કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને દાદરા નગર હવેલીમાં પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અજયભાઈ દેસાઈ, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, શ્રી મનિષ દેસાઈ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા શ્રી અભિનવ ડેલકરના નેતૃત્વમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.