January 16, 2026
Vartman Pravah
તંત્રી લેખ

આજે દાદરા નગર હવેલીના લોકોની પરિપક્‍વતા અને દીર્ઘદૃષ્‍ટિની થનારી કસોટી

  • કોઈપણ પ્રકારના લાગણીના પ્રવાહમાં તણાયા વગર પ્રદેશના ભવિષ્‍યને નજર સમક્ષ રાખી પોતાના મતાધિકારનો પ્રયોગ કરવો જરૂરી
  • ખંડણીખોરો અને અસામાજિક તત્ત્વોનો લોકો ઉપર કેટલો પ્રભાવ છે તેનું પણ થનારૂં પરીક્ષણ

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે મતદારોએ કોઈપણ પ્રકારના લાગણીના પ્રવાહમાં તણાયા વગર પ્રદેશના ભવિષ્‍યને નજર સમક્ષ રાખી પોતાના પવિત્ર મતદાનનો પ્રયોગ કરવો જરૂરી બન્‍યો છે.
આ પેટા ચૂંટણી છે. આ ચૂંટણીથી દેશની સરકાર બનવાની નથી. દેશમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર છે. તેથી દાદરા નગર હવેલીના લોકો પણ પ્રવાહની સાથે રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
દાદરા નગર હવેલીના લોકોને શું ખંડણીખોરી જોઈએ છે? શું કાયદાને ધોળીને પી જનારા લબરમૂંછિયા જોઈએ છે? શું ભ્રષ્‍ટાચારી રાજ ઈચ્‍છે છે? કે પછી દરબારમાં કરાતા ન્‍યાયની ચાહના છે. લગભગ તમામ ઉત્તરોનો જવાબ નકારમાં જ આવશે, કારણ કે હવે 30-35 વર્ષ પહેલાનું દાદરા નગર હવેલી નથી રહ્યું.
આજે દાદરા નગર હવેલીના લોકોને જોઈએ છે શાંતિ અને સલામતિ. જોઈએ છેવિકાસ અને સમૃદ્ધિ. લોકો ઈચ્‍છે છે શિક્ષણ અને સંસ્‍કાર. ભ્રષ્‍ટાચાર અને ભયમુક્‍ત પ્રશાસન. આ તમામ આશા-અપેક્ષાઓ ભારત સરકાર દ્વારા પુરી થઈ રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે સરકાર દ્વારા ગોઠવાયેલી વ્‍યવસ્‍થામાં તસૂભાર પણ ફરક પડવાનો નથી.
દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી પ્રદેશના લોકોની પરિપક્‍વતા અને દીર્ઘદૃષ્‍ટિની પરીક્ષા કરશે. ખંડણીખોરો અને અસામાજિક તત્ત્વોનો સામાન્‍ય લોકો ઉપર કેટલો પ્રભાવ છે તેનું પરીક્ષણ પણ આ ચૂંટણીમાં થઈ જશે. તેથી આજના નિર્ણાયક દિવસે પોતાની લાગણીને એક બાજુ રાખી મળેલી તકનો લાભ ઉઠાવી દાદરા નગર હવેલી માટે પોતાની પરિપક્‍વતા અને દીર્ઘદૃષ્‍ટિ બતાવવાનો આ અવસર છે. આ પ્રકારની તકો બહુ ઓછી મળતી હોય છે. જેનો ફાયદો ઉઠાવવા નિષ્‍ફળ ગયા તો વરસો વરસ સુધી કોઈ સુધારો નહીં થાય એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
સંઘપ્રદેશના રાજકારણીઓ મોટાભાગે પોતે જ સમસ્‍યા ઉભી કરે છે અને ગુંચવે છે. દમણમાં જિલ્લા પંચાયતના શિક્ષકોની કરાયેલી ભરતી સમયે જેમણે માતબર રૂપિયા આપ્‍યા તેમને રેગ્‍યુલર કરાયા અને જેઓ લાયક હતા પરંતુ માંગેલો ભાવ આપી નહીં શક્‍યા હતા તેઓ આજે પણ કોન્‍ટ્રાક્‍ટ ઉપર જ કામ કરી રહ્યા છે. દાદરા નગર હવેલીમાં પણ જ્‍યારે સત્તામાં હતા ત્‍યારેતેનો ઉકેલ નહીં લાવ્‍યા અને લંબાવતા ગયા. જ્‍યાં રજૂઆત કરવાની હતી ત્‍યાં નહીં કરી અને જમાદારને છોડી સીધા કમિશનર પાસે પહોંચી જાય તો શું સ્‍થિતિ થાય…? તેવી સ્‍થિતિ દાદરા નગર હવેલીના કોન્‍ટ્રાક્‍ટ અને ડેઈલી વેજીસોની રાજકારણીઓએ કરી છે. પરંતુ સત્‍યનો જય થશે એવી આશા પણ જન્‍મી રહી છે.

Related posts

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની ઉજવણીમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએઃ પાડા ફળિયા પંચાયત સુધી આનંદોત્‍સવ મનાવવો જરૂરી

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન સાચા અર્થમાં બનેલું 3D

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

Leave a Comment